તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
છોટાઉદેપુરમાં આધ્યાત્મિક ક્રાંતિ: જગદગુરુ શંકરાચાર્યની ઉપસ્થિતિમાં ૨૫ લોકોની સનાતન ધર્મમાં ઘરવાપસી
આદિવાસી બહુલ વાસણા ગામમાં નવનિર્મિત આશ્રમ ખાતે શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ૨૫ પરિવારોએ પોતાના મૂળ ધર્મમાં પાછા ફરી ગૌરવપૂર્ણ વાપસી કરી.

છોટાઉદેપુર : છોટાઉદેપુરના સંખેડા તાલુકાના વાસણા ગામે શનિવારે એક ભવ્ય ધાર્મિક પ્રસંગે ૨૫ લોકોએ ખ્રિસ્તી ધર્મ છોડી સનાતન ધર્મમાં પરત ફરતા સમગ્ર પંથકમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. દ્વારકા શારદાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજના સાનિધ્યમાં આ 'ઘરવાપસી' કાર્યક્રમ નવનિર્મિત 'શ્રી આનંદ વર્ધન આશ્રમ'ના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયો હતો. આ લોકોએ ગંગાજળના છંટકાવ અને પવિત્ર મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત શુદ્ધિકરણ વિધિ પૂર્ણ કરી હતી.
આદિવાસી બહુલ વિસ્તારમાં મિશનરી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને અગાઉ ધર્મ પરિવર્તન કરનાર લોકોએ સ્વેચ્છાએ પોતાના મૂળિયા તરફ પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. સ્થાનિકોના મતે, અજ્ઞાનતા અને વિવિધ લોભ-લાલચને કારણે તેઓ ધર્મ પરિવર્તન કરી બેઠા હતા, પરંતુ હવે સત્ય સમજાતા તેમણે આ ઐતિહાસિક નિર્ણય લીધો છે. જગદગુરુ શંકરાચાર્યએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, "અમે કોઈને નવા ધર્મમાં નથી લાવી રહ્યા, પરંતુ પોતાની મૂળ સંસ્કૃતિ અને જડો તરફ પરત ફરી રહેલા આપણા જ સ્વજનોનું સ્વાગત કરી રહ્યા છીએ."
કાર્યક્રમ દરમિયાન દીક્ષા અને શ્રીરામ મંત્ર સાથે આ તમામ ૨૫ શ્રદ્ધાળુઓને સનાતન ધર્મમાં સન્માનભેર સ્થાન આપવામાં આવ્યું હતું. 'સુધર્મા નયન' વિધિ દ્વારા થયેલી આ ઘરવાપસીએ સ્થાનિકોમાં એક નવી જાગૃતિ જગાવી છે. આશ્રમના ઉદ્ઘાટન સાથે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં આસપાસના ગ્રામજનો અને સાધુ-સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ઘટના બાદ વિસ્તારમાં સનાતન ધર્મ પ્રત્યે લગાવ અને ગૌરવની નવી લહેર જોવા મળી રહી છે. ભવિષ્યમાં પણ આ પ્રકારના આધ્યાત્મિક આશ્રમો અને સત્સંગ દ્વારા ધર્મ જાગૃતિના કાર્યોને વેગ આપવા માટે સાધુ-સંતો દ્વારા રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. આ ઘરવાપસીના માધ્યમથી સામાજિક એકતા અને પોતાની મૂળ ઓળખ જાળવી રાખવાનો સંદેશ આ સમગ્ર જિલ્લામાં પ્રસરી ગયો છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
