<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th November 2026

ગુજરાતમાં ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની દિવ્ય ઉપસ્થિતિમાં આધ્યાત્મિકતા, ભક્તિ અને જ્ઞાનનો ભવ્ય મહોત્સવ યોજાયો

વાસદ, જેતપુર, અમદાવાદ અને પાટણ ખાતે વિવિધ આધ્યાત્મિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને જ્ઞાનસભર કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ :વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુ અને આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ૬ થી ૧૩ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. આ મુલાકાત દરમિયાન વાસદ, જેતપુર, અમદાવાદ અને પાટણ ખાતે વિવિધ આધ્યાત્મિક, ધાર્મિક, સાંસ્કૃતિક અને જ્ઞાનસભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. ગુરુદેવના આગમનથી ગુજરાતભરમાં ભક્તો અને અનુયાયીઓમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવાળીના પાવન પર્વ નિમિત્તે વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગના ગુજરાત આશ્રમ ખાતે ગુરુદેવના સાનિધ્યમાં ‘ગુરુ સાનિધ્ય’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત દિવાળીના દિવસે ભવ્ય અષ્ટલક્ષ્મી હોમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર વૈદિક અનુષ્ઠાનમાં સમૃદ્ધિ, સુખાકારી અને સર્વના કલ્યાણ માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રુદ્ર પૂજા અને ગણપતિ હોમ જેવા પવિત્ર અનુષ્ઠાનો પણ યોજાયા હતા, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.
વધુ માહિતી આપતા ડૉ રાજેશ ભોજક એ જણાવ્યું હતું કે નૂતન વર્ષના પાવન અવસરે વાસદ આશ્રમ ખાતે પરંપરાગત ગોવર્ધન પૂજા અને ભવ્ય અન્નકૂટ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રદ્ધાળુઓએ સામૂહિક રીતે ૨૫૨૬ પ્રકારની શાકાહારી વાનગીઓ તૈયાર કરી હતી. આ પ્રસંગે ગુરુદેવે આંતરિક સમૃદ્ધિ તેમજ જ્ઞાન, ભક્તિ અને આનંદના પરસ્પર સંબંધ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, “જ્ઞાન વિના અજ્ઞાન દૂર થઈ શકતું નથી અને અજ્ઞાન દૂર થયા વિના દુઃખોનું નિવારણ શક્ય નથી. જો શોક, પીડા અને દુઃખને દૂર કરવાં હોય તો જ્ઞાન આવશ્યક છે અને જ્યાં જ્ઞાન છે, ત્યાં માત્ર આનંદ જ છે.”
આ મુલાકાતનો એક વિશેષ અને મહત્વપૂર્ણ ભાગ 'ગ્રામ ગૌરવ સમ્મેલન' (પ્રોજેક્ટ ભારત) કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ૪૦૦૦થી વધુ લોકો એ ભાગ લીધો હતો જેમાં ગામોના પ્રતિનિધિઓ, યુવાચાર્યો, YLTP (યુથ લીડરશિપ ટ્રેનિંગ પ્રોગ્રામ)ના સભ્યો, ગ્રામીણ શિક્ષકો અને આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ, શિક્ષણ, યુવા સશક્તિકરણ, સામાજિક પરિવર્તન અને સેવા પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવાના ઉદ્દેશથી વિવિધ ચર્ચાઓ અને બેઠકો યોજાઈ હતી.

તા. ૧૧ નવેમ્બરના રોજ વાસદ ખાતે મીડિયા સાથે ના સંવાદ દરમિયાન શ્રી રવિશંકરજીએ સૌને નૂતન વર્ષ અને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દેશના અન્ય ભાગો કરતાં છ મહિના વહેલું નવું વર્ષ ઉજવવામાં આવે છે. તેથી મેં પણ વિચાર્યું કે ગુજરાતની સાથે જ નવું વર્ષ ઉજવી લઈએ. દર વર્ષે અહીં આવવાનું થતું જ રહે છે એમણે કહ્યું કે આ વર્ષે દેશમાં અનેક સ્થળોએ ક્યાંક ભીષણ દુષ્કાળ તો ક્યાંક અતિવૃષ્ટિને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કુદરતી આફતોના કારણે આપણો સમાજ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

   આ ઉપરાંત વિશ્વના વિવિધ ભાગોમાં ચાલી રહેલા યુદ્ધોની અસર પણ હવે સમગ્ર દુનિયા પર થવા લાગી છે. અગાઉ આ અસરો એટલી અનુભવાતી નહોતી, પરંતુ આજે આપણે એકબીજા પર નિર્ભર એવા ‘ઇન્ટરડિપેન્ડન્ટ વર્લ્ડ’માં જીવી રહ્યા છીએ. તેથી વિશ્વના કોઈપણ ખૂણે બનતી ઘટનાની અસર સમગ્ર વિશ્વ પર પડે છે, આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ભારત ખૂબ સારી રીતે ટકી રહ્યું છે. હું દુનિયાભરમાં પ્રવાસ કરું છું અને વિવિધ દેશોની પરિસ્થિતિઓને નજીકથી જોઉં છું. ભારતની સંસ્કૃતિ, આપણી સમજણ, પરંપરાગત મૂલ્યો અને સૌ સાથે હળીમળીને રહેવાની ભાવના આપણા સાંસ્કૃતિક DNAમાં જ સમાયેલી છે. આ જ કારણ છે કે ભારત આજે પણ અન્ય દેશોની સરખામણીએ વધુ સારી સ્થિતિમાં છે. 

  તેમણે કહ્યું હતું કે આ સમય પરીક્ષાનો છે અને આવા પડકારજનક સમયમાં આપણે ધીરજ રાખવી જરૂરી છે. ખાસ કરીને યુવાનોને સંદેશ આપતાં તેમણે કહ્યું કે યુવાનોએ પોતાની વાત અવશ્ય રજૂ કરવી જોઈએ અને પોતાના વિચારો વ્યક્ત કરવા જોઈએ, પરંતુ કોઈપણ અસામાજિક તત્ત્વો કે ઉગ્ર માનસિકતા ધરાવતા લોકોના પ્રભાવમાં આવવું નહીં. તેમની વિચારધારામાં વહી જઈને કોઈ ખોટું પગલું ભરવું નહીં. આજના યુવાનોમાં નાની-નાની બાબતોમાં આક્રમક થઈ જવાની અથવા તો હતાશા અને ડિપ્રેશનમાં સરી પડવાની વૃત્તિ જોવા મળે છે. ડિપ્રેશન આજે ભારત સહિત સમગ્ર વિશ્વ સામે એક ગંભીર પડકાર બની ગયું છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે આધ્યાત્મિક માર્ગ અપનાવવો અત્યંત જરૂરી છે. સૌએ ધ્યાન, યોગ અને સેવાકાર્યો સાથે જોડાવું જોઈએ તેમજ જીવનમાં આશા અને સકારાત્મકતા જાળવી રાખવી જોઈએ.

મીડિયા જગત સાથે સંકળાયેલા લોકોને સંબોધતાં ગુરુદેવે જણાવ્યું હતું કે પત્રકારો અને મિડિયાકર્મીઓનું કાર્ય અત્યંત પડકારજનક હોય છે. તેમણે દરેક ક્ષણે પોતાની સૂઝબૂઝ, સજાગતા અને ત્વરિત નિર્ણયશક્તિ જાળવી રાખવી પડે છે. સમાચારની સમયમર્યાદા અને સતત બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે કામ કરવું એ ખરેખર પડકારજનક કાર્ય છે. આ માટે વધુ ઊર્જા અને માનસિક શક્તિની આવશ્યકતા રહે છે. તેમણે મિડિયાકર્મીઓને નિયમિત ધ્યાન કરવાની સલાહ આપતાં જણાવ્યું હતું કે ધ્યાનથી મગજમાં અદ્ભુત સકારાત્મક પરિવર્તન આવે છે, આંતરિક ઊર્જાનો અનુભવ થાય છે અને તાત્કાલિક ઊંડો આરામ મળે છે. માત્ર ૨૦ મિનિટનું ધ્યાન વ્યક્તિને એટલી તાજગી અને શક્તિ આપી શકે છે, જેટલી ૮ થી ૧૦ કલાકની ઊંઘ પછી અનુભવાય છે. તેનાથી એકાગ્રતા અને પ્રેઝન્સ ઑફ માઇન્ડમાં પણ વધારો થાય છે.
અંતમાં ગુરુદેવે સૌને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને સૌના જીવનમાં સુખ, શાંતિ, ઊર્જા, સમૃદ્ધિ અને સકારાત્મકતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
બાળકો અને કિશોરો માટે ૧૧ નવેમ્બરના રોજ વિશેષ ‘ઇન્ટ્યુશન ફેસ્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ગુજરાતમાંથી આર્ટ ઓફ લિવિંગનો ઇન્ટ્યુશન પ્રોગ્રામ પૂર્ણ કરી ચૂકેલા અંદાજે ૨૦૦૦ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ફેસ્ટનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં એકાગ્રતા, આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને આંતરિક ક્ષમતાઓના વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
આ ઉપરાંત, દરરોજ સાંજે ૬:૩૦ વાગ્યે ગુરુદેવ સાથે સત્સંગ અને જ્ઞાનસત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું , જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને નાગરિકો ગુરુદેવના સાનિધ્યનો લાભ લીધો હતો. 
જેતપુરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ૮ નવેમ્બરના રોજ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પાવન સાનિધ્યમાં ભવ્ય મહાલક્ષ્મી હોમનું આયોજન સંપન્ન થયું હતું. આ પવિત્ર વૈદિક અનુષ્ઠાનમાં સમૃદ્ધિ, સુખાકારી, શાંતિ અને સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે યોજાયેલા આ અનુષ્ઠાનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.
ગુરુદેવની આ ગુજરાત મુલાકાત અંતર્ગત આગામી ૧૨ નવેમ્બરના રોજ અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે ‘બિયોન્ડ નોલેજ’ વિષય પર વિશેષ જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ સત્રમાં જ્ઞાન, ચેતના, જીવનની સમજ, આંતરિક શાંતિ અને વ્યક્તિના સર્વાંગી વિકાસ જેવા વિષયો પર ગુરુદેવના માર્ગદર્શનનો લાભ મળશે.
આ ઉપરાંત, ૧૩ નવેમ્બરના રોજ પાટણ સ્થિત NGES કેમ્પસ (કોલેજ ગ્રાઉન્ડ) ખાતે ગુરુદેવના પાવન સાનિધ્યમાં ભવ્ય દેવી પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર અનુષ્ઠાનમાં વૈદિક પરંપરા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો સુંદર સમન્વય જોવા મળશે.
આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ સંસ્થા વિશ્વભરમાં યોગ, ધ્યાન, પ્રાણાયામ, સુદર્શન ક્રિયા અને માનવીય મૂલ્યોના પ્રસાર દ્વારા વ્યક્તિ તથા સમાજના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. વિશ્વના અનેક દેશોમાં સંસ્થા તણાવમુક્ત જીવન, આંતરિક શાંતિ, સામાજિક સૌહાર્દ, સેવા અને માનવતાના મૂલ્યોને પ્રોત્સાહન આપી રહી છે.
ગુરુદેવની આ ગુજરાત મુલાકાત આધ્યાત્મિકતા, વૈદિક પરંપરા, જ્ઞાન, સેવા, યુવા સશક્તિકરણ અને સામાજિક પરિવર્તનના વિવિધ આયામોનો સમન્વય બની રહી છે. દિવાળીના પાવન પર્વથી શરૂ થયેલો આ આધ્યાત્મિક મહોત્સવ ગુજરાતમાં ભક્તિ, આનંદ, શાંતિ અને સકારાત્મકતાનો સંદેશ પ્રસરાવી રહ્યો છે

(3:53 PM IST)