તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
રાજ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ની ભલામણ અનુસાર અમલીકૃત SQAAF ગુણાંકન-૨૦૨૬ને શાળાઓ તરફથી મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ
રાજ્યની ૫૦ હજાર કરતાં વધુ શાળાઓએ સ્વ-મૂલ્યાંકનની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરી

ગાંધીનગર : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ ની ભલામણ અનુસાર રાજ્યમાં શૈક્ષણિક સુધારાઓને સુદ્રઢ કરવાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬- ૨૭થી 'ગુજરાત સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન ફ્રેમવર્ક' (G-SQAAF) સત્તાવાર રીતે અપનાવવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં SQAAF ગુણાંકન -૨૦૨૬ અંતર્ગત ગુણવત્તાલક્ષી મૂલ્યાંકન કરવાનું નિયત કરવામાં આવેલ છે. જેના મુખ્ય ત્રણ સોપાન (૧) શાળાઓ દ્વારા સ્વ-મૂલ્યાંકન, (૨) વેરિફાયર્સ દ્વારા બાહ્ય-મૂલ્યાંકન અને (૩) SQAAF ગુણાંકન -૨૦૨૬ના પરિણામોનું પબ્લિક ડિસ્ક્લોઝર છે.
આ ત્રણ સોપાન પૈકી શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ સોપાન સ્વ-મૂલ્યાંકન માટે તા.૧૭/૦૮/૨૦૨૬ થી તા. ૦૮/૦૯/૨૦૨૬ સુધીનો સમયગાળો જાહેર કરેલ. આ સમયગાળામાં રાજ્યની તમામ પ્રકારની શાળાઓ, શિક્ષક સંઘો અને સંચાલક મંડળો તરફથી SQAAF ગુણાંકનને અભૂતપૂર્વ પ્રતિસાદ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. હાલની સ્થિતિએ રાજ્યની ૫૦,૦૦૦ કરતાં વધુ શાળાઓએ સ્વ-મૂલ્યાંકનની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરેલ છે. આ શાળાઓમાં રાજ્યમાં આવેલ તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ (ગુજરાત બોર્ડ, CBSE કે અન્ય બોર્ડ સંલગ્ન)નો સમાવેશ થાય છે. સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (SSSA) સ્વ-મૂલ્યાંકનમાં ભાગ લેનાર તમામ શાળાઓને શાળા ગુણવત્તાના સંદર્ભમાં પારદર્શિતાના સંદર્ભમાં તેમના હકારાત્મક અભિગમ બદલ અભિંદન પાઠવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વ-મૂલ્યાંકનના તબક્કામાં ભાગ ન લેનાર શાળાઓમાં નિષ્ણાત વેરિફાયર્સ દ્વારા સીધું જ બાહ્ય-મૂલ્યાંકન કરાવવા આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે SQAAF ગુણાંકન – ૨૦૨૬માં માત્ર શૈક્ષણિક પરિણામો જ નહીં, પરંતુ વહીવટ, અભ્યાસક્રમ, સર્વગ્રાહી મૂલ્યાંકન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વસમાવેશક પદ્ધતિઓ અને નેતૃત્વ જેવા બહુઆયામી ક્ષેત્રોમાં ૩૬૦-ડિગ્રી ગુણવત્તા ચકાસવામાં આવે છે. આ મૂલ્યાંકન માળખું રાષ્ટ્ર ક્ક્ષાની વિવિધ ભલામણો અને સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્ક્સના અભ્યાસના આધારે તૈયાર કરાયેલ વૈશ્વિક કક્ષાનું માળખું છે. આ મૂલ્યાંકન માળખાને આધારે આગામી દિવસોમાં સ્વ-મૂલ્યાંકન થયેલ શાળાઓ પૈકી મહત્તમ 33% જેટલી શાળાઓમાં બાહ્ય-મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ SQAAF ગુણાંકન – ૨૦૨૬ના અંતિમ પરિણામો જાહેર જનતા માટે SQAAF પોર્ટલ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. NEP ૨૦૨૦ની ભલામણ અનુસાર હવે, સમાજની પ્રત્યેક વ્યક્તિને રાજ્યની કોઈપણ શાળાઓ ગુણવત્તાલક્ષી રિપોર્ટ ટેક્નોલોજીના માધ્યમથી આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે.
આમ, SQAAF ગુણાંકન - ૨૦૨૬ એ NEP 2020ની ભલામણ અનુસાર રાજ્યમાં શાળા શિક્ષણની ગુણવત્તાના સંદર્ભમાં શાળાઓને જવાબદેહિતા (Accountability) અને પારદર્શિતા (Transparency) સાથે સ્વાયતતા (Autonomy) આપતી શિક્ષણ વિભાગની એક મહત્ત્વની પહેલ બની રહેશે, તેમ સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી (SSSA), ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે
(10:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
