<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

સુરતમાં ફરી એસટી બસે ભોગ લીધો : લસકાણા શ્યામધામ મંદિર પાસે એસટી બસે BBAની વિદ્યાર્થિનીને અડફેટે લેતા કરૂણમોત

એક્ટિવા પર જઈ રહેલી સ્વાતિ સોલંકી નામની વિદ્યાર્થિનીને અડફેટે લીધી : હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન આશાસ્પદ છાત્રાએ તોડ્યો દમ: અકસ્માત બાદ બસ ચાલક સ્થળ પર વાહન મૂકી ફરાર

સુરત: શહેરમાં ટ્રાફિક અને બેફામ દોડતા વાહનો ફરી એકવાર જીવલેણ સાબિત થયા છે. સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા શ્યામધામ મંદિર પાસે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક એસટી બસના ચાલકે એક્ટિવા પર જઈ રહેલી BBAની વિદ્યાર્થિનીને અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવતી લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાઈ હતી.

 

મૃતક યુવતીની ઓળખ સ્વાતિ સોલંકી તરીકે થઈ છે, જે અભ્યાસમાં ખૂબ જ તેજસ્વી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્વાતિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં  હતી. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમાચાર મળતા જ સોલંકી પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આશાસ્પદ પુત્રીના અકાળે અવસાનથી સમગ્ર વિસ્તારમાં ગમગીની વ્યાપી ગઈ છે.

 

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માત સર્જ્યા બાદ એસટી બસનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બસ કઈ રીતે યુવતીને કચડી રહી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે. પોલીસ દ્વારા બસ કબજે કરી ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સુરતમાં વધી રહેલા એસટી બસના અકસ્માતોએ ફરી એકવાર મુસાફરો અને વાહનચાલકોની સુરક્ષા સામે સવાલ ઉભા કર્યા છે.

(11:13 PM IST)