News of Wednesday, 25th November 2026
છોટા ઉદેપુરના પુનિયાવાંટ નજીક એસટી બસ અને બે બાઇક વચ્ચે અકસ્માત :એક યુવકનું ઘટનાસ્થળે મોત :એક બાઇકસવારને ઇજા
છોટા ઉદેપુરથી અંબાજી જતી એસટી બસ પુનિયાવાંટ નજીક પસાર થતી હતી ત્યારે ચઠ્ઠાવડા ગામના બે યુવકો અલગ-અલગ બાઇક પર સવાર થઈને ચેલાવડાથી ઘરે પરત ફરતા હતા એસટી બસના ચાલકે બંને બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો

છોટાઉદેપુર જિલ્લામાં આજે વહેલી સવારે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુનિયાવાંટ નજીક એસટી બસ અને બે બાઇક વચ્ચે અકસ્માત થતાં એક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક બાઇકસવાર ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.
મળતી માહિતી મુજબ, આજે વહેલી સવારે આશરે 5:30 વાગ્યાના અરસામાં છોટા ઉદેપુરથી અંબાજી જવા નીકળેલી એસટી બસ પુનિયાવાંટ નજીકથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેની દિશામાંથી ચઠ્ઠાવડા ગામના બે યુવકો અલગ-અલગ બાઇક પર સવાર થઈને ચેલાવડાથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન એસટી બસના ચાલકે બંને બાઇકને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં એક બાઇક પર સવાર અશ્વિન ચમાયડા રાઠવાને માથા સહિત શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓ એટલી ગંભીર હતી કે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે બીજી બાઇક પર સવાર યુવકને નાની-મોટી ઇજાઓ પહોંચતાં તેને તાત્કાલિક છોટા ઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
વહેલી સવારે સર્જાયેલા આ અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે લોકોનાં ટોળાં એકઠાં થઈ ગયાં હતાં. ચઠ્ઠાવડા ગામના યુવકના મોતના સમાચારથી પરિવારજનો અને ગામમાં શોકનો માહોલ છવાયો છે.
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
