<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

વડોદરાના આજવા રોડ પર 141 કરોડના ખર્ચે 300 બેડની અત્યાધુનિક SSG કાર્ડિયાક હોસ્પિટલનું નિર્માણ પૂર્ણતાના આરે

અમદાવાદની યુ.એન. મહેતા બાદ રાજ્યની સૌથી મોટી સરકારી હૃદયરોગ હોસ્પિટલ ફેબ્રુઆરી 2027 સુધીમાં ખુલ્લી મુકાશે.

વડોદરા અને સમગ્ર મધ્ય ગુજરાતના હૃદયરોગના દર્દીઓ માટે એક અત્યંત રાહતરૂપ અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. વડોદરાના આજવા રોડ ખાતે અંદાજે 141 કરોડ રૂપિયાના માતબર ખર્ચે મધ્ય ગુજરાતની સૌથી મોટી સ્ટેન્ડ-અલોન સરકારી કાર્ડિયોલોજી હોસ્પિટલનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. સયાજી હોસ્પિટલ (SSG) સંચાલિત આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અમદાવાદની સુપ્રસિદ્ધ યુ.એન. મહેતા (UN Mehta) હોસ્પિટલ બાદ સમગ્ર રાજ્યની બીજી સૌથી મોટી સરકારી કાર્ડિયાક ફેસિલિટી બની રહેશે. આગામી ફેબ્રુઆરી 2027 સુધીમાં હોસ્પિટલનું બાકીનું કામ પૂર્ણ કરીને તેને સામાન્ય નાગરિકોની સેવા માટે ખુલ્લું મૂકવાનું આયોજન છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઘરઆંગણે જ અત્યાધુનિક અને નિઃશુલ્ક હૃદયરોગની સારવાર ઉપલબ્ધ થશે.

આજવા રોડ પર તૈયાર થઈ રહેલી આ અત્યાધુનિક કાર્ડિયાક હોસ્પિટલની મુખ્ય વિશેષતાઓ. હોસ્પિટલમાં ગંભીર દર્દીઓની તાત્કાલિક સારવાર માટે 125 અત્યાધુનિક ICU બેડ સહિત કુલ 300 બેડની સુવિધા ઊભી કરવામાં આવી છે. વડોદરાની ઐતિહાસિક ઓળખને જાળવી રાખીને આ હોસ્પિટલનું બાંધકામ હેરિટેજ આર્કિટેક્ચર અને આધુનિક 'બટરફ્લાય પ્લાનિંગ કોન્સેપ્ટ' પર તૈયાર કરવામાં આવ્યું છે, જેનાથી દર્દીઓને કુદરતી હવા-ઉજાસ અને ઝડપી તબીબી સેવા મળી રહેશે.હોસ્પિટલમાં સમય બચાવવા માટે અત્યંત આધુનિક ન્યુમેટિક ટ્યુબિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ટેકનોલોજી દ્વારા ફાર્મસીમાંથી જરૂરી દવાઓ અને લેબોરેટરીના સેમ્પલ્સ ગણતરીની સેકન્ડોમાં સીધા ઓપરેશન થિયેટર (OT) અને ICU સુધી પહોંચી જશે. દર્દીઓ, સ્ટ્રેચર અને તબીબી સ્ટાફની સરળ અવરજવર માટે બિલ્ડિંગમાં કુલ 9 લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

 

અત્યાર સુધી મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા સહિતના જિલ્લાઓના હૃદયરોગના ગંભીર દર્દીઓને સારવાર માટે અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું અથવા ખાનગી હોસ્પિટલોના મોંઘા બિલો ચૂકવવા પડતા હતા. આજવા રોડ પર SSG સંચાલિત આ 300 બેડની કાર્ડિયાક હોસ્પિટલ કાર્યરત થતાં હજારો દર્દીઓને સમયસર અને તદ્દન વિનામૂલ્યે સર્જરી તેમજ સારવાર મળી રહેશે.

(11:41 AM IST)