News of Saturday, 18th July 2026
સુરત પૂર પ્રભાવિતો માટે રાજ્ય સરકાર દ્વારા ૨૦ કરોડની રાહત સહાયનું વિતરણ : ઐતિહાસિક ઝડપે વીમા ક્લેમનો નિકાલ કરી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૨૯ કરોડના ચેક એનાયત કરાયા
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા અને સાંસદ મુકેશભાઈ દલાલની ઉપસ્થિતિમાં પૂર નુકસાનીની પારદર્શક સહાય માટે ’સુરત જિલ્લા રાહત પેકેજ’ ઓનલાઈન પોર્ટલનો કરાયો પ્રારંભ : ૭ વીમા કંપનીઓને કારણદર્શક નોટિસ

સુરત, શનિવાર:સુરતમાં તાજેતરમાં ૬ અને ૭ જુલાઈએ આવેલા ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત થયેલા આમનાગરિકો, નાના-મોટા વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને કેબિન માલિકો માટે ગુજરાત સરકારે પુનર્વસન સહાય પેકેજ જાહેર કર્યા બાદ સહાય ચૂકવણીની પ્રક્રિયા યુદ્ધના ધોરણે પ્રગતિમાં છે. આ કામગીરીની સમીક્ષા કરવા માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરત સર્કિટ હાઉસ ખાતે એક ઉચ્ચ સ્તરીય સંકલન બેઠક યોજી હતી. આ બેઠકમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ગૌરવવંતી ઉપસ્થિતિમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોના વાહન તથા મિલકત વીમા ધારકોને ક્લેઈમ સેટલમેન્ટ ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
૬૧,૩૬૦ નાગરિકોને કેશડોલ્સ અને ૨૯,૬૪૨ પરિવારોને ઘરવખરી સહાય:
બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પૂરની સ્થિતિમાં નાગરિકોને થયેલી મુશ્કેલીઓ અને નુકસાની સામે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર સંપૂર્ણ સંવેદનશીલતા સાથે કાર્યરત છે. 'ટીમ ગુજરાત' તરીકે મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા વહીવટીતંત્ર અને રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે હાથ ધરીને અસરગ્રસ્તોને સહાય પહોંચાડી છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં ૬૧,૩૬૦ નાગરિકોને રૂ. ૫.૫૦ કરોડ જેટલી કેશડોલ્સ (રોકડ સહાય) અને ૨૯,૬૪૨ પરિવારોને રૂ. ૧૪.8૨ કરોડની ઘરવખરીની સહાય મળી કુલ રૂ. ૨૦ કરોડની રકમ ચૂકવી દેવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા પૂર બાદ સ્વચ્છતા અને સ્વાસ્થ્યલક્ષી તમામ જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા છે.
દેશના ઇતિહાસમાં પ્રથમવાર આટલી ઝડપે વીમા ક્લેમનો નિકાલ:
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશના ઈતિહાસમાં પ્રથમવાર પૂરની મોટી કુદરતી આપત્તિ બાદ આટલા ટૂંકા ગાળામાં વીમા કંપનીઓ સાથે સંકલન સાધી ક્લેમ પ્રોસેસ પૂર્ણ કરવામાં આવી છે. સુરતમાં મળેલા કુલ ૫,૨૮૭ ક્લેમ પૈકી ૮૫ ટકા ક્લેમની પ્રક્રિયા પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી છે અને રૂ. ૨૯ કરોડના ક્લેમ મંજૂર કરીને વીમાધારકોને ચેક અર્પણ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વીમા ક્લેમના નિકાલમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા નિયમિત ફોલો-અપ સિસ્ટમ ગોઠવવામાં આવી છે અને આવનારા ૧૫ દિવસમાં ફરીથી રિવ્યુ બેઠક યોજાશે. સંતોષકારક કામગીરી ન કરનાર ૭ વીમા કંપનીઓને જિલ્લા કલેક્ટર દ્વારા કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને જો કામગીરીમાં ગતિ નહીં આવે તો કડક પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે. રાજ્ય સરકારનું સ્પષ્ટ વલણ છે કે, માત્ર કાગળ પર નહીં, પરંતુ પરિણામલક્ષી કામગીરી થાય અને લાભાર્થીઓને તેમનો હક્ક કોઈપણ પ્રકારના વિલંબ વગર મળે.
’સુરત જિલ્લા રાહત પેકેજ’ ઓનલાઈન પોર્ટલનો પ્રારંભ:
સુરત જિલ્લામાં વાણિજ્ય, વેપાર અને સેવાકીય અસરગ્રસ્તોને થયેલા નુકસાનમાંથી બેઠા કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તા. ૧૫મી જુલાઈએ આર્થિક તેમજ પુનઃ વસન સહાય પેકેજ જાહેર કરાયું હતું, જેમાં લારી, રેંકડી, કેબિન, નાની-મોટી દુકાન એમ કુલ ૭ પ્રકાર મુજબ અલગ અલગ સહાય જાહેર કરાઈ છે. કેટેગરી-૧ થી ૪ મુજબની ઉચ્ચક સહાય તથા કેટેગરી-૫ થી ૭ મુજબની વ્યાજ સહાય મેળવવા અરજી કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર તથા સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઓનલાઈન પોર્ટલ https://sdrp2026.in શરૂ કરવામાં આવ્યું છે. આ પોર્ટલની લિંક સુરત કલેક્ટર કચેરીની વેબસાઇટ https://surat.gujarat.gov.in તેમજ https://surat.nic.in/ અને સુરત મનપાની વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/ માં POP UP તરીકે મૂકવામાં આવી છે. આ લિન્ક પર ક્લિક કરીને મોબાઈલ નંબરના આધારે login કરી નામ-સરનામું, ધંધા-વ્યવસાયના સ્થળની વિગત, લારી, રેંકડી, કેબિન કે દુકાનનો પ્રકાર, થયેલ નુકસાની અને બેન્ક એકાઉન્ટની વિગત ભરીને સહાય અરજી કરી શકાશે.
વેબલિન્કમાં ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશમાં ટાઈપ કરવાથી વિગતો આપમેળે ગુજરાતીમાં લખાઈ જશે અને ફોર્મ સબમિટ થયા પછી તેની PDF ડાઉનલોડ કરી શકાશે. વ્યવસાયના સ્થળના લોકેશન પર સર્વેયર ચકાસણી કરવા આવશે અને ત્યારબાદ કમિટી દ્વારા નિર્ણય લઈ સહાય ચૂકવણી કરવામાં આવશે, જેનું સ્ટેટસ પણ પોર્ટલ પર જોઈ શકાશે. કેટેગરી-૧ થી ૪ માટે ઉચ્ચક રોકડ સહાય માટે અરજી કરવાની સમયમર્યાદા તા. ૩૦/૯/૨૦૨૬ સુધીની છે, જ્યારે વ્યાજ સહાય માટે અરજી કરવાની સમયમર્યાદા ઠરાવની તારીખથી ૬ મહિના સુધી એટલે કે તા. ૧૫/૭/૨૦૨૬ થી તા. ૧૪/૦૧/૨૦૨૭ સુધીની રહેશે.
બેઠકમાં ઉચ્ચ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિ:
આ સમીક્ષા બેઠકમાં સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વશ્રી મુકેશભાઈ પટેલ, મનુભાઈ પટેલ, સંદિપભાઈ દેસાઈ, અરવિંદભાઈ રાણા, વિનોદભાઈ મોરડિયા, સંગીતાબેન પાટીલ, પ્રવિણભાઈ ઘોઘારી, કાંતિભાઈ બલર તેમજ મેયર શ્રીમતી માયાબેન માવાણી, સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર, પોલીસ કમિશનર વાબાંગ જમીર, જિલ્લા વિકાસ અધિકારી દેવેન્દ્ર પ્રકાશ મીના, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી સહિતના પદાધિકારીઓ અને વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
