News of Monday, 5th October 2026
રાજ્યની સરકારી ઇમારતો સૌર ઊર્જાથી ઝળહળી ઉઠી : ૯૫ મેગાવોટ વીજ ઉત્પાદન ક્ષમતા હાંસલ : ચાલુ નાણાકીય વર્ષે વધુ ૬૫ મેગાવોટ ઉમેરવાનો લક્ષ્યાંક
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ૧૫,૦૦૦થી વધુ સરકારી ઇમારતો પર સોલર રૂફટોપ લગાવવાનું મોટું આયોજન : મોનિટરિંગ માટે IIoT આધારિત નવીનતમ સિસ્ટમ પણ કાર્યરત કરાઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે રાજ્યભરની સરકારી ઇમારતો પર મોટા પાયે સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરી છે. સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૬,૦૧૪ સરકારી ઇમારતો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે, જેની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા ૯૫ મેગાવોટ સુધી પહોંચી ગઈ છે. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વધુ ૧૫,૦૦૦ સરકારી ઇમારતો પર આ સિસ્ટમ સ્થાપવાનો લક્ષ્યાંક છે, જેનાથી ક્ષમતામાં વધુ ૬૫ મેગાવોટનો ઉમેરો થશે.
ક્લાઇમેટ ચેન્જ વિભાગ હેઠળ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨થી અમલમાં મૂકવામાં આવેલી આ પહેલ અંગે માહિતી આપતાં ક્લાઇમેટ ચેન્જ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન ૧,૩૭૭ સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી હતી, જેનાથી ૧૭.૧ મેગાવોટ રિન્યુએબલ એનર્જી ઉમેરાઈ હતી. માર્ચ ૨૦૨૬ સુધીમાં રૂફટોપ સોલારથી સજ્જ સરકારી ઇમારતોની સંખ્યા વધીને ૬,૦૧૪ થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ઇમારતોની છતને વીજ ઉત્પાદન સ્ત્રોતમાં પરિવર્તિત કરીને પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટાડવાનો આ પ્રયાસ છે. ચાલુ વર્ષે ૧૫,૦૦૦ સરકારી ઇમારતોનું અત્યાર સુધીનું સૌથી મોટું વિસ્તરણ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ ઉમેર્યું હતું કે, સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમ સ્થાપવાથી પરંપરાગત વીજળીનો વપરાશ ઘટશે, સરકારી કચેરીઓના વીજ બિલના ખર્ચમાં ઘટાડો થશે તેમજ પર્યાવરણીય પ્રદૂષણ નિયંત્રણમાં મદદ મળશે. GEDAના નિયામક ધર્મેન્દ્ર પટેલે (IAS) માહિતી આપી હતી કે, વર્ષ ૨૦૨૬-૨૭ માટે આ કાર્યક્રમ અંતર્ગત રૂ. ૩૧૪ કરોડની બજેટ જોગવાઈ કરાઈ છે, જેમાં સામાન્ય સરકારી ઇમારતો માટે રૂ. ૨૭૮ કરોડ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂ. ૩ કરોડ તથા આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ. ૩૩ કરોડ ફાળવાયા છે. આ પ્રોજેક્ટ માટે ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા ૧૦0 ટકા મૂડી ખર્ચની સહાય પૂરી પાડવામાં આવે છે.
કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, ગુજરાત ૪૭,૧૭૮ મેગાવોટની સ્થાપિત ક્ષમતા સાથે રાજસ્થાનને પાછળ રાખીને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને આવી ગયું છે. આ ઉપરાંત, ડિજિટલ પરિવર્તનના ભાગરૂપે સરકારી ઇમારતો પરની સિસ્ટમના મોનિટરિંગ માટે IIoT આધારિત રિન્યુએબલ એનર્જી મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરાઈ છે. આ સિસ્ટમમાં સ્માર્ટ મીટર, સેન્સર અને IoT ગેટવે મારફતે દર ૧૫ મિનિટે ડેટા પ્રોસેસ થઈને રોજના ૯૬ રીડિંગ્સ અને ઓટોમેટેડ રિમોટ એલર્ટ પૂરા પાડે છે. હાલ આ સિસ્ટમ ૧૪૨.૫ મેગાવોટ સોલાર અને ૬૮.૩ મેગાવોટ પવન ઊર્જા ઉત્પાદનનું સફળતાપૂર્વક મોનિટરિંગ કરી રહી છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
