<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

ગુજરાત રાજ્યમાં પ્રચંડ ગરમી અને હીટવેવ સામે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા જાહેર

બપોરે 12થી 4 વાગ્યા સુધી ઘરની બહાર ન નીકળવા અપીલ: હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક રૂમ અને દવાઓનો સ્ટોક સુનિશ્ચિત કરાયો

ગાંધીનગર, તા.૨૨ : હાલમાં રાજ્યમાં ઉનાળાની પ્રચંડ ગરમી અને હીટવેવના વધતા જતા પ્રકોપને ધ્યાનમાં રાખીને, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તમામ જિલ્લા અને સામુહિક આરોગ્ય કેન્દ્રોને સૂચના અપાઈ છે.

 

આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ વધતા તાપમાન સામે સાવચેતી રાખવી અને હીટવેવની ગંભીર અસરોથી બચવું એ આપણી સહિયારી જવાબદારી છે. નાગરિકોને બપોરે 12:00 થી 4:00 દરમિયાન કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવા, બહાર નીકળતી વખતે માથા ઉપર ટોપી અથવા ભીનું કપડું રાખવા, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવા સૂચવવામાં આવ્યું છે. વડીલો, બાળકો અને સગર્ભાઓની વિશેષ કાળજી લેવા તેમજ પુષ્કળ પ્રમાણમાં પાણી, છાસ, લીંબુ શરબત અને નાળિયેર પાણી જેવા પ્રવાહી પીણાનું સેવન કરવા તાકીદ કરવામાં આવી છે. ચક્કર આવવા, ખૂબ તરસ લાગવી, માથાનો દુખાવો કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

 

સાવચેતીના ભાગરૂપે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા નિર્ધારિત ગરમી અને આરોગ્ય અંગેની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા તમામ જિલ્લા આરોગ્ય કેન્દ્રોને સૂચના આપવામાં આવી છે. 1 માર્ચ 2026થી ઇન્ટિગ્રેટેડ હેલ્થ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ દ્વારા હીટસ્ટ્રોકના કેસોનું સઘન દૈનિક મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મીઓને વિશેષ તાલીમ અપાઈ છે. હવામાન વિભાગની દૈનિક ચેતવણીઓને અનુસરીને તમામ જિલ્લાઓમાં હીટ-હેલ્થ એક્શન પ્લાન કાર્યરત કરવામાં આવ્યો છે.

 

તમામ સરકારી હોસ્પિટલોમાં પૂરતી માત્રામાં દવાઓ, IV ફ્લુઈડ્સ, ORS અને આઈસ પેકનો સ્ટોક સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. દરેક જિલ્લા અને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પાંચ અને દરેક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બે બેડના સમર્પિત હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ઉનાળામાં વીજળીનો વપરાશ વધતા હોસ્પિટલોમાં ઈલેક્ટ્રિક લોડ ઓડિટ કરવા, અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન કરવા અને વીજળીની અવિરત સપ્લાય જાળવવા નિર્દેશ અપાયા છે. આરોગ્ય વિભાગે નાગરિકોને સાવચેત રહીને સુરક્ષિત રહેવા અનુરોધ કર્યો છે.

(3:30 PM IST)