<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

રાજ્યના સહકારી કૃષિ ધિરાણ માળખા અને ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો મોટો નિર્ણય : સ્વ-ભંડોળના ધિરાણ પર બે ટકા વ્યાજ રાહત માટે ૧૭૪.૦૭ કરોડ રૂપિયાની સહાય મંજૂર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી દસ લાખથી વધુ ખેડૂતોને સાત ટકાના રાહત દરે પાક ધિરાણનો મળશે સીધો લાભ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : રાજ્યના ખેડૂતોને ગ્રામીણ કક્ષાએથી જ સસ્તા અને સરળ વ્યાજદરે ટૂંકા ગાળાનું કૃષિ ધિરાણ મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના સહકારી કૃષિ ધિરાણ માળખા દ્વારા ખેડૂતોને પોતાના સ્વ-ભંડોળમાંથી આપવામાં આવેલા ધિરાણ પર બે ટકા વ્યાજ સહાય પેટે રૂપિયા ૧૭૪.૦૭ કરોડની રકમ મંજૂર કરવામાં આવી છે.

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ નિર્ણયની વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે સરકાર ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે. તા ૧/૦૪/૨૦૨૫ થી તા. ૩૦/૦૯/૨૦૨૫ સુધીના સમયગાળા દરમિયાન રાજ્યની સહકારી બેંકો દ્વારા પોતાના સ્વ-ભંડોળમાંથી ખેડૂતોને આપવામાં આવેલા ધિરાણ પર આ બે ટકા વ્યાજ રાહત લાગુ કરવામાં આવશે.

અગાઉના સમયમાં સહકારી બેંકો દ્વારા ખેડૂતોને દસથી તેર ટકા સુધીના ઊંચા વ્યાજદરે ધિરાણ પૂરું પાડવામાં આવતું હતું. ખેડૂતો પર વ્યાજનો ભારે બોજો ન પડે અને સહકારી માળખું આર્થિક રીતે ટકી રહે તે માટે સરકાર દ્વારા વર્ષ ૨૦૦૯-૧૦થી આ બે ટકા વ્યાજ રાહત યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનાના સકારાત્મક પરિણામ સ્વરૂપ આજે રાજ્યના ખેડૂતોને માત્ર સાત ટકાના રાહત દરે પાક ધિરાણ ઉપલબ્ધ થઈ રહ્યું છે.

સહકારી બેંકોનો ભંડોળનો ખર્ચ અન્ય બેંકોની સરખામણીમાં વધુ હોવા છતાં ખેડૂતોને રાહત આપવા માટે સરકાર આ તફાવતને વ્યાજ સહાય દ્વારા સરભર કરે છે. રાજ્યમાં એક રાજ્ય સહકારી બેંક, અઢાર જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકો અને દસ હજાર નવસોથી વધુ કૃષિ ધિરાણ મંડળીઓનું ત્રિ-સ્તરીય મજબૂત નેટવર્ક કાર્યરત છે, જે ખેડૂતોને ઘરઆંગણે સેવાઓ પૂરી પાડે છે.

આ સહકારી વ્યવસ્થા દ્વારા દસ લાખથી વધુ ખેડૂતો ટૂંકી મુદતનું કૃષિ પાક ધિરાણ મેળવી રહ્યા છે, જેમાં અંદાજે તેત્રીસ ટકા જેટલા નાના અને સીમાંત ખેડૂતો સમાવિષ્ટ છે. અનેક ગ્રામીણ વિસ્તારોમાં રાષ્ટ્રીયકૃત કે ખાનગી બેંકોની પહોંચ ન હોવાથી સહકારી માળખું જ ખેડૂતો માટે ધિરાણ મેળવવાનો મુખ્ય આધાર બન્યું છે, જેનાથી લાખો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે.

(5:10 PM IST)