તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 19th September 2026
રાજ્યમાં ચોમાસાની ઋતુનો મોસમનો સરેરાશ ૮૮ ટકા વરસાદ નોંધાયો : દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૧૩.૫૨ ટકા મેઘમહેર
સરદાર સરોવર ડેમ ૯૬ ટકા ભરાયો - ૩૦ ડેમ સંપૂર્ણ છલકાયા : છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૪ તાલુકામાં વરસાદ વચ્ચે મેઘરજ અને ગીર ગઢડામાં ૩ ઇંચ નોંધાયો

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસાની વર્તમાન ઋતુ દરમિયાન આજરોજ સવારે ૬ કલાક સુધીમાં કુલ એકંદર ૩૧ ઇંચ વરસાદ નોંધાયો છે, જે મોસમના સરેરાશ વરસાદના ૮૮ ટકા જેટલો થાય છે. રાજ્યની ઝોન વાઇઝ સ્થિતિ પર નજર કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૧૩.૫૨ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. આ સિવાય પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૮૮.૫૭ ટકા, ઉત્તર ગુજરાતમાં ૭૦.૩૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૬૭.૮૬ ટકા અને કચ્છ ઝોનમાં ૫૭.૧૬ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૪ તાલુકામાં વરસાદ:
છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૧ જિલ્લાના ૨૨૪ તાલુકાઓમાં સરેરાશ ૧૭.૨૦ મિમી વરસાદ થયો છે. જેમાં અરવલ્લીના મેઘરજ અને ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકામાં સૌથી વધુ ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ૨.૮૭ ઇંચ, સાબરકાંઠાના તલોદમાં ૨.૫૨ ઇંચ અને નર્મદાના દેડિયાપાડામાં ૨.૪૦ ઇંચ વરસાદ નોંધાયો છે.
જળાશયો અને ડેમની વર્તમાન સ્થિતિ:
રાજ્યની જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના ૯૬ ટકા જેટલો ભરાઈ ગયો છે. રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં કુલ ક્ષમતાના ૭૦.૪૯ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં રાજ્યના ૩૦ ડેમ ૧૦૦ ટકા ભરાયેલા છે, જ્યારે ૩૮ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા, ૨૫ ડેમ ૫૦ થી ૭૦ ટકા, ૪૦ ડેમ ૨૫ થી ૫૦ ટકા અને ૭૩ ડેમ ૨૫ ટકાથી નીચે ભરાયેલા છે. પાણીની આવકને પગલે ૪૫ ડેમ હાઇ એલર્ટ, ૧૩ ડેમ એલર્ટ અને ૧૦ ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.
સ્થળાંતર, રેસ્ક્યૂ અને રાહત બચાવ કામગીરી:
તા. ૧ જૂન, ૨૦૨૬ થી ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન રાજ્યભરમાંથી કુલ ૮૫,૪૫૬ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે અને ૯,૮૨૨ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. સ્થળાંતરમાં સૌથી વધુ નવસારીમાંથી ૨૯,૧૯૮, વલસાડમાંથી ૨૨,૨૧૪ અને સુરતમાંથી ૧૭,૯૯૨ નાગરિકોનો સમાવેશ થાય છે. આપત્તિ વ્યવસ્થાપનને પહોંચી વળવા રાજ્યમાં એનડીઆરએફ (NDRF)ની ૧૦ ટીમો અને એસડીઆરએફ (SDRF)ની ૨૮ પ્લાટૂન તૈનાત રખાઈ છે, જ્યારે ૪ એનડીઆરએફ અને ૫ એસડીઆરએફની ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે.
(12:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
