<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 12th May 2026

રાજ્યમાં આકરા ઉનાળાનો પ્રકોપ :અમદાવાદ અને અમરેલી સહિતના શહેરોમાં અગનગોળા વરસ્યા હોય તેવી ગરમી

રાજ્યના ત્રણ શહેરોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર: 44.5 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર:અમદાવાદમાં પણ ગરમીનો પારો 44.4 ડિગ્રી નોંધાયો

ગુજરતમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. અમદાવાદ અને અમરેલી સહિતના શહેરોમાં અગનગોળા વરસ્યા હોય તેવી ગરમી અનુભવાઇ છે. રાજ્યના ત્રણ શહેરોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર ગયું છે. 44.5 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદમાં પણ ગરમીનો પારો 44.4 ડિગ્રી નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ સહિતના શહેરોમાં હીટવેવની શક્યતા છે. મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી નોંધાઇ શકે છે.

 

હવામાન વિભાગ અનુસાર, મહત્તમ તાપમાનમાં આગામી 3 દિવસ સુધી કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં તાપમાન 41-45 ડિગ્રી ની વચ્ચે રહેવાની સંભાવના છે. આગામી ત્રણ દિવસ દરમિયાન સુરત, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદમાં હીટવેવની શક્યતા છે.

 

અમદાવાદ શહેર માટેની આગાહી મુજબ આકાશ મુખ્યત્વે સાફ રહેશે. આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. આજે શહેરનું મહત્તમ તાપમાન 44.4ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 2.8ડિગ્રી વધુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 29.4ડિગ્રી રહ્યું હતું, જે સામાન્ય કરતા 2.3ડિગ્રી વધુ છે.

દક્ષિણ બંગાળની ખાડી, આંદામાન સાગર અને આંદામાન-નિકોબાર ટાપુઓના ભાગોમાં આ સપ્તાહના અંત સુધીમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ સાનુકૂળ બની રહી છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર 1.5 કિમીની ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયેલું છે. આ ઉપરાંત ઉત્તર પાકિસ્તાન અને પશ્ચિમ રાજસ્થાન પર પણ અલગ-અલગ ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. પ્રદેશમાં નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે

(9:29 PM IST)