News of Sunday, 16th August 2026
સાવરકુંડલાની શ્રી લલ્લુભાઈ શેઠ હોસ્પિટલને રાજ્યકક્ષાએ એવોર્ડ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સન્માનિત કરાઈ
છેલ્લા ૧૨ વર્ષથી ૨૪ લાખથી વધુ દર્દીઓને પૂરી પાડેલી ૧૦૦% નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ બદલ સંસ્થાના ઉપપ્રમુખ અમિતભાઈ મગીયાએ એવોર્ડ સ્વીકાર્યો : ૬૫ હજાર ચોરસ ફૂટના નવા બિલ્ડિંગમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને નર્સિંગ કોલેજ આકાર લેશે

સાવરકુંડલા: અમરેલી ખાતે સ્વાતંત્રય દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં આરોગ્ય ક્ષેત્રે નિઃશુલ્ક અને ગુણવત્તાસભર આરોગ્યસેવા પૂરી પાડી ગુજરાત તથા અમરેલી જિલ્લાનું નામ ગૌરવભેર રોશન કરવા બદલ શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર – સાવરકુંડલાનું રાજ્યકક્ષાએ ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સંસ્થાના ઉપપ્રમુખ અમિતભાઈ મગીયાને શાલ ઓઢાડી તથા સ્મૃતિચિહ્ન અર્પણ કરી આ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહેલા સેવાકાર્યની પ્રશંસા કરી જરૂરિયાતમંદ લોકો માટે નિઃશુલ્ક તથા ગુણવત્તાસભર સારવાર ઉપલબ્ધ કરાવવાના સંસ્થાના પ્રયાસોને બિરદાવ્યા હતા.
મોરારિબાપુ અને કેળવણીકાર રતિલાલ બોરીસાગરની પ્રેરણાથી ૨૦૧૫માં થઈ હતી સ્થાપના:
પૂ. મોરારિબાપુના અનુરાગ અને પ્રખ્યાત કેળવણીકાર રતિલાલ બોરીસાગરના માર્ગદર્શન હેઠળ સત્ય, પ્રેમ અને કરુણાના મૂળમંત્ર સાથે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની સ્થાપના ૭ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ કરવામાં આવી હતી. આ હોસ્પિટલની સ્થાપના ગુરુ રતિલાલ બોરિસાગરને શ્રદ્ધાંજલિરૂપે તેમના પૂર્વ વિદ્યાર્થીઓ (જે આજે ડૉક્ટર, વેપારી અને સમાજના પ્રખ્યાત વ્યક્તિઓ છે) તેમની પ્રેરણાથી શક્ય બની હતી. પૂ. મોરારિબાપુએ પણ આ હોસ્પિટલમાં થઈ રહેલી સેવાની સરખામણી તપસ્યા સાથે કરી છે.
૧૨ વર્ષમાં ૨૪ લાખથી વધુ દર્દીઓને કેશ વિન્ડો વગર નિઃશુલ્ક સારવાર:
હોસ્પિટલના ટ્રસ્ટી અમિતભાઈ મગિઆના જણાવ્યા મુજબ છેલ્લા ૧૨ વર્ષમાં આજ દિન સુધી અંદાજે ૨૪ લાખથી વધુ દર્દીઓએ સંપૂર્ણ નિઃશુલ્ક તબીબી સારવારનો લાભ મેળવ્યો છે. દૈનિક ૧૫૦૦ થી ૨૦૦૦ દર્દીઓ આ હોસ્પિટલની સેવાઓ મેળવે છે, જેમાં મોટાભાગના લોકો આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવે છે.
હોસ્પિટલમાં કેસ લખાવવાથી લઈને ડોક્ટરી તપાસ, ઓપરેશન, દવાઓ અને ઈન્ડોર દર્દીઓ તથા તેમના સગા-સંબંધીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. હોસ્પિટલમાં જનરલ મેડિસિન, સર્જિકલ, બાળરોગ, ઑન્કોલોજી, ડાયાલિસિસ, ઓર્થોપેડિક, આંખ, કાન-નાક-ગળા, ફિઝિયોથેરાપી, ડેન્ટલ, ગાયનેક અને રેડિયોલોજી સહિતના તમામ વિભાગો કાર્યરત છે. ૪૦ જેટલા ડોક્ટરો અને ૭૫ જેટલા સ્ટાફના સભ્યો અહીં સેવા આપી રહ્યા છે.
આગામી સમયમાં સુપર સ્પેશિયાલિટી સેવાઓ અને નર્સિંગ કોલેજ શરૂ થશે:
આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા માટે હોસ્પિટલ ખાતે આશરે ૬૫ હજાર ચોરસ ફૂટનું નવું બિલ્ડિંગ નિર્માણાધીન છે. જેમાં કાર્ડિયોલોજી, ન્યુરોલોજી સહિતની સુપર સ્પેશિયાલિટી સેવાઓ તેમજ સિટી સ્કેન, MRI જેવા અત્યાધુનિક ઉપકરણો અને નર્સિંગ કોલેજનો સમાવેશ થશે.
દર મહિને ૧.૨૫ કરોડનો ખર્ચ - દાન આપવા વિનમ્ર અપીલ:
આ હોસ્પિટલના સંચાલન માટે દર મહિને આશરે ૧.૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે, જે મુંબઈ અને વિદેશમાં વસતા સાવરકુંડલા પ્રેમી દાતાઓના સહયોગથી સંભવ બને છે. નવા બિલ્ડિંગ અને અત્યાધુનિક સાધનો માટે સંસ્થા દ્વારા વિવિધ દાન યોજનાઓ જાહેર કરવામાં આવી છે, જેમાં તિથિ દાન (રૂ. ૧,૫૧,૦૦૦), બેડ અનુદાન (રૂ. ૨,૫૧,૦૦૦), દૈનિક દવાનો ખર્ચ (રૂ. ૫૦,૦૦૦), દૈનિક ભોજન ખર્ચ (રૂ. ૨૫,૦૦૦), ડાયાલિસિસ ખર્ચ (રૂ. ૧૧,૦૦૦) તેમજ CSR ફંડ અને સ્વેચ્છાએ દાન આપવા અપીલ કરાઈ છે. તમામ દાન 80G હેઠળ કરમુક્તિ માટે પાત્ર છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
