તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 24th October 2026
પોલીસ આવાસ અને કચેરી કેમ્પસોમાં મરામત અને રીપેરીંગના કામોમાં ભ્રષ્ટાચાર ડામવા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા નવી ક્રાંતિકારી SOP જાહેર : 'ત્રણ ક્વોટેશન' પદ્ધતિ નાબૂદ
હવે ક્વોટેશનને બદલે સીધી ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ ખરીદીને સ્ટોકમાં રખાશે : માસિક અને ત્રિમાસિક ભૌતિક ચકાસણી ફરજિયાત બનતા જાળવણી કાર્યોમાં પારદર્શિતા આવશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા પોલીસ વિભાગના રહેણાંક તેમજ બિન-રહેણાંક મકાનોના ચાલુ મરામત અને ખાસ મરામતના કાર્યો માટે એક નવી અને પારદર્શક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમિયાન ચાલુ મરામત ગ્રાન્ટ અંતર્ગત થયેલા કાર્યોની સમીક્ષા કરવામાં આવતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. કુલ ૪,૭૮૯ કાર્યો પાછળ અંદાજે રૂા. ૧૯ કરોડનો ખર્ચ થયો હતો, જેમાંથી ૪,૧૧૯ જેટલા કાર્યો (એટલે કે ૮૬% કામો અને રૂા. ૧૭.૪૮ કરોડનો ખર્ચ) માત્ર "ત્રણ ક્વોટેશન" મેળવીને જ પૂર્ણ કરવામાં આવ્યા હતા. આ જૂની પદ્ધતિને કારણે મંજૂરી મેળવવામાં મોટો સમય વેડફાતો હતો તેમજ વહીવટી અડચણો અને ગેરરીતિના ગંભીર આક્ષેપો પણ થતા હતા.
આ તમામ ગેરરીતિઓ અને સમયના વ્યયને કાયમ માટે રોકવા તેમજ મરામતના કામોમાં ઉચ્ચ ગુણવત્તા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે નવી SOP અમલમાં મૂકવામાં આવી છે. નવી વ્યવસ્થા અનુસાર હવેથી કોઈપણ કામ માટે "કામોના ત્રણ ક્વોટેશન" મંગાવવાની પદ્ધતિ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. તેના બદલે હવે "ચીજવસ્તુઓના ત્રણ ક્વોટેશન" મેળવીને જરૂરી સામગ્રીનો પૂરતો જથ્થો સીધો જ કચેરીના સ્ટોકમાં રાખવાનો રહેશે. પોલીસ હેડક્વાર્ટર ખાતે ક્લોથિંગ આર્ટિકલ્સની જેમ જ સિવિલ અને ઇલેક્ટ્રિકલ કામ માટે ખરીદવામાં આવતા તમામ માલસામાનનું નિયત નમૂના મુજબ સ્ટોક રજીસ્ટર અને ઇશ્યુ રજીસ્ટર ફરજિયાતપણે નિભાવવાનું રહેશે.
પારદર્શિતા જાળવવા માટે દર મહિનાની પાંચમી તારીખ સુધીમાં વર્ગ-૧ કે વર્ગ-૨ ના અધિકારી દ્વારા માલસામાનની પ્રત્યક્ષ ભૌતિક ચકાસણી કરી પ્રમાણપત્ર આપવાનું રહેશે. આ ઉપરાંત કચેરીના વડાએ દર ત્રણ મહિને (એટલે કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરની ૧૦મી તારીખ સુધીમાં) જાતે સ્ટોકની ચકાસણી કરવાની રહેશે. આ નવી પદ્ધતિ અમલી બનવાથી નળ ટપકવો, લાઈટ-પંખા બંધ થવા, વાયરિંગ ફેલ થવું કે પાઇપલાઇન લીકેજ જેવી પ્રાથમિક અને રોજિંદી સમસ્યાઓ તાત્કાલિક ઉકેલી શકાશે, કારણ કે તમામ સ્પેરપાર્ટ્સ અને પ્લમ્બિંગ - ઇલેક્ટ્રિકલ સામગ્રી અગાઉથી જ સ્ટોકમાં ઉપલબ્ધ હશે. અધિકૃત ડીલરો પાસેથી સ્પર્ધાત્મક દરે સામાન ખરીદાવાથી ભ્રષ્ટાચારને કોઈ અવકાશ રહેશે નહીં.
કામદારો બાબતે શ્રમ અને રોજગાર વિભાગના દૈનિક વેતન દર મુજબ અર્ધ-કુશળ શ્રમિકોને બોલાવીને કામ કરાવવાનું રહેશે. જો કોઈ મોટું કાર્ય માત્ર માલસામાન ખરીદવાથી ન થઈ શકે અને ત્રણ ક્વોટેશન લેવાની અનિવાર્ય આવશ્યકતા ઊભી થાય, તો કમિશનરેટ, જિલ્લા કે એકમો ખાતે કામ શરૂ કરતા પહેલાં સક્ષમ ઉપરી અધિકારી (કમિશનર અથવા રેન્જ વડા) ની લેખિત પૂર્વ મંજૂરી મેળવવી અનિવાર્ય રહેશે. આ ઉપરાંત, રૂા. ૫૦ હજારથી વધુ રકમવાળા કાર્યોને "ખાસ મરામત" ગણીને ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના કાર્યપાલક ઇજનેરના પરામર્શમાં રહીને જ દરખાસ્ત મોકલવાની રહેશે. રહેણાંક અને કચેરીઓની મરામત સંબંધિત ફરિયાદો નોંધવા તથા તેના સમયસર નિરાકરણ માટે એક અલગ રજીસ્ટર પણ નિભાવવાનું રહેશે. આ નવી SOP થી સમગ્ર રાજ્યની પોલીસ લાઈનો અને પોલીસ સ્ટેશનોના જાળવણી કાર્યોમાં અભૂતપૂર્વ ઝડપ અને ચોકસાઈ આવશે તથા જનતાના ટેક્સના નાણાંનો સદુપયોગ સુનિશ્ચિત થશે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
