તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
સબ રજીસ્ટ્રાર કચેરીના કર્મચારીઓનું રાજય વ્યાપી આંદોલન ૬૦ દિવસ માટે મોકૂફઃ સરકાર સાથે સફળ મંત્રણા
તમામ ૧૩ જેટલી માંગણીઓ અંગે સરકાર તરફથી હકારાત્મક વલણઃ વકીલો-અરજદારોને રાહત...

રાજકોટ, તા.૨૧: રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા આંદોલન હાલ પૂરતું સરકાર અને સબ રજિસ્ટ્રાર કચેરીના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી બેઠક બાદ બે માસ માટે મૌકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
તાજેતરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય મંત્રણા દરમિયાન સરકારે કર્મચારી પડતર માંગણીઓ પ્રત્યે હકારાત્મક વલણ દર્શાવ્યું હતું. સરકાર તરફથી મળેલા આ સકારાત્મક પ્રતિસાદને ધ્યાનમાં રાખીને કર્મચારી મંડળે હાલ પૂરતું આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે. આંદોલન મૌકૂફ રહેતા જ રાજ્યભરની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અને અન્ય સંબંધિત કામગીરી હવે ફરી પૂરજોશમાં શરૂ થઈ જશે. કર્મચારીઓના આ નિર્ણયથી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં આવતા અરજદારો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્ય સરકાર અને સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ વચ્ચે ચાલી રહેલી મંત્રણા નિષ્ફળ ગઈ હતી. સરકાર સાથે બે દિવસ સુધી સતત વાટાઘાટો ચાલ્યા છતાં પણ કોઈ નક્કર ઉકેલ આવ્યો નહોતો અને સરકાર તરફથી લેખિતમાં કોઈ બાંહેધરી ન મળવાને કારણે કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો, જેના પરિણામે આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી, આવતીકાલે માસ સી એલ અને બે નવેમ્બરથી બેમૂદતી હડતાલનું એલાન અપાયુ હતું. જે હાલ ૬૦ દિવસ સ્થગિત કરી દેવાયું છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
