<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

ગુજરાતમાં સુશાસન અને AI ક્ષેત્રે નવીનતાને વેગ આપવા રાજ્યવ્યાપી 'GPU-as-a-Service' ફ્રેમવર્ક લાગુ : સરકારી તંત્રને મળશે હાઈ-પરફૉર્મન્સ કમ્પ્યુટિંગ પાવર

સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ અને પસંદગીના AI સ્ટાર્ટઅપ્સને ૧૦૦ ટકા સબસિડીના ધોરણે મળશે GPU સુવિધા : ગુજરાત ઇન્ફૉર્મેટિક્સ લિમિટેડ સંભાળશે એન્ડ-ટુ-એન્ડ વ્યવસ્થાપન

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને વિજ્ઞાન તથા પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ગવર્નન્સ અને નવીનતાને વેગ આપવા માટે મોટો નિર્ણય લીધો છે. રાજ્યમાં તાત્કાલિક અસરથી 'State-wide GPU-as-a-Service (GPUaaS) Framework' અમલમાં મૂકવામાં આવ્યું છે, જેનાથી સરકારી વિભાગો અને સંલગ્ન સંસ્થાઓને હાઈ-પરફૉર્મન્સ GPU કમ્પ્યુટિંગ રિસોર્સિસની કેન્દ્રિત સુવિધા ઉપલબ્ધ થશે.

AI એક્શન પ્લાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્તંભને કરાયો મજબૂત:
રાજ્ય સરકાર AIનો ઉપયોગ સુશાસન, જાહેર સેવા વિતરણ અને ક્ષેત્રીય નવીનતામાં વધારવા માગે છે. આ માટે અમલીકૃત AI એક્શન પ્લાનના છ મુખ્ય સ્તંભો—ડેટા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપેસિટી બિલ્ડિંગ, ફાઉન્ડેશનલ R&D એન્ડ યુઝ કેસ ડેવલપમેન્ટ, ડીપટેક સ્ટાર્ટઅપ ફેસિલિટેશન અને સેફ એન્ડ ટ્રસ્ટેડ AI પૈકીના બીજા સ્તંભ એટલે કે 'ઇન્ફ્રાસ્ટ્રક્ચર'ને સશક્ત બનાવવા આ GPUaaS માળખું કાર્યરત કરાયું છે.

GIL સંભાળશે સંચાલન અને એન્ડ-ટુ-એન્ડ વ્યવસ્થા:
આ નવા ફ્રેમવર્ક હેઠળ ગુજરાત ઇન્ફૉર્મેટિક્સ લિમિટેડ (GIL) દ્વારા કેન્દ્રિત GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રોવિઝનિંગ, ઓપરેશન, મોનિટરિંગ અને મેનેજમેન્ટ કરવામાં આવશે. આનાથી અલગ-અલગ સરકારી વિભાગોને પોતાનું મોંઘું કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂરિયાત રહેશે નહીં. સરકારી વિભાગો ઉપરાંત બોર્ડ-કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થાઓ અને મંજૂર સંસ્થાઓ પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. IndiaAI દ્વારા એમપેનલ કરાયેલા ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર પાસેથી લેવાતી સેવાઓના વાસ્તવિક ખર્ચ પર GILને ૭ ટકા કન્સલ્ટન્સી ફી ચૂકવાશે.

સરકારી વિભાગો અને પસંદગીના સ્ટાર્ટઅપ્સને ૧૦૦% સબસિડી:
આ નિર્ણયની મુખ્ય વિશેષતા એ છે કે પાત્ર રાજ્ય સરકારના વિભાગો, સરકારી સંસ્થાઓ અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓને GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર ૧૦૦ ટકા સબસિડી સાથે અપાશે. વધુમાં, AI CoE માં AI ઇનોવેશન ચેલેન્જ હેઠળ પસંદ થયેલા સ્ટાર્ટઅપ્સને પણ પ્રોડક્શન રોલઆઉટ માટે ૧૦૦ ટકા સબસિડી મળશે. અન્ય સ્ટાર્ટઅપ્સને સંસાધનોની ઉપલબ્ધતાના આધારે વાસ્તવિક સેવા ખર્ચ અને GIL કન્સલ્ટન્સી ફી સાથે આ સુવિધા મળશે.

ડેટા સિક્યોરિટી અને જવાબદાર ઉપયોગ પર ભાર:
આ ફ્રેમવર્ક હેઠળ GPU સંસાધનોનો ઉપયોગ માત્ર મંજૂર હેતુઓ માટે જ કરી શકાશે. તમામ વપરાશકર્તા સંસ્થાઓએ માહિતી સુરક્ષા, ડેટા પ્રાઇવસી, સાયબર સિક્યોરિટી અને જવાબદાર AI ઉપયોગ (Responsible Use of AI) સંબંધિત નીતિઓનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. પાત્રતા, અરજી પ્રક્રિયા અને ફાળવણી અંગેની વિગતવાર માર્ગદર્શિકા GIL દ્વારા વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગની મંજૂરીથી સમયાંતરે બહાર પાડવામાં આવશે.

(9:36 AM IST)