<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

બાકી રહી ગયેલા અને નવા મતદારોની નોંધણી માટે રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશ : ૨૯ નવેમ્બર, ૬ ડિસેમ્બર અને ૧૩ ડિસેમ્બરના રવિવારે મતદાન મથકો પર વિશેષ કેમ્પ યોજાશે

૧૮-૧૯ વર્ષના પ્રથમ વખતના પાત્ર યુવા મતદારો અને બાકી નાગરિકો ફોર્મ-૬ ભરીને મતદારયાદીમાં નામ નોંધાવી શકશે : ૧ જાન્યુઆરી, ૨૦૨૭ તેમજ વર્ષ ૨૦૨૭ની અન્ય ત્રણ લાયકાત તારીખોએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનોની એડવાન્સ અરજી પણ સ્વીકારાશે : સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી BLO અને ડેઝીગ્નેટેડ ઓફિસર હાજર રહેશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ, જે રાજ્યોમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, ત્યાં સતત સુધારણા (Continuous Updation) પ્રક્રિયા હેઠળ મતદારયાદીમાં નોંધણીથી બાકી રહી ગયેલા નાગરિકો તેમજ ૧૮-૧૯ વર્ષના નવા પાત્ર યુવા મતદારો માટે રાજ્યવ્યાપી ખાસ ઝુંબેશ (Special Drive) હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. આ સંદર્ભે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા રાજ્યના તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને કલેક્ટરોને વિસ્તૃત માર્ગદર્શિકા સાથે આયોજન કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

ત્રણ ખાસ રવિવારે વિશેષ કેમ્પનું આયોજન:
નાગરિકોની સુવિધા માટે નવેમ્બર અને ડિસેમ્બર માસ દરમિયાન ત્રણ ખાસ રવિવારે એટલે કે તા. ૨૯/૧૧/૨૦૨૬, તા. ૦૬/૧૨/૨૦૨૬ અને તા. ૧૩/૧૨/૨૦૨૬ના રોજ તમામ મતદાન મથકો પર વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ નિર્ધારિત દિવસોમાં સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી ડેઝીગ્નેટેડ ઓફિસર અને બૂથ લેવલ ઓફિસર (BLO) મતદાન મથકો પર ઉપસ્થિત રહીને હક્ક-દાવા અને વાંધા અરજીઓ (ફોર્મ્સ) સ્વીકારશે.

ફોર્મ-૬ અને વર્ષ ૨૦૨૭ની લાયકાત તારીખો માટે એડવાન્સ અરજી:
'મતદાર નોંધણી નિયમો, ૧૯૬૦' અંતર્ગત માત્ર ફોર્મ-૬ ભરીને કોઈપણ પાત્રતા ધરાવતી વ્યક્તિ મતદારયાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકશે. આ ઉપરાંત તા. ૦૧/૦૧/૨૦૨૭ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરતા યુવા મતદારો તેમજ વર્ષ ૨૦૨૭ની આગામી ત્રણ લાયકાતની તારીખો તા. ૦૧/૦૪/૨૦૨૭, તા. ૦૧/૦૭/૨૦૨૭ અને તા. ૦૧/૧૦/૨૦૨૭ના સંદર્ભમાં લાયક થનાર ભાવિ મતદારોની એડવાન્સ અરજી પણ સ્વીકારવાની રહેશે.

સુપરવાઈઝરો અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ:
ખાસ ઝુંબેશના દિવસોમાં કામગીરી સુચારુ રૂપે થાય તે માટે સુપરવાઈઝરો દ્વારા મતદાન મથકોની સતત મુલાકાત લેવામાં આવશે. સાથોસાથ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, ERO અને AERO દ્વારા પણ રેન્ડમલી (જરૂરી ક્ષેત્રીય) નિરીક્ષણ કરવામાં આવશે. મતદારયાદીને અદ્યતન અને સર્વસમાવેશી બનાવી શકાય તે હેતુથી રાજ્યના તમામ પાત્રતા ધરાવતા નાગરિકો અને ખાસ કરીને ૧૮ વર્ષ પૂર્ણ કરનાર યુવાનોને આ ખાસ ઝુંબેશનો લાભ લઈ મતદારયાદીમાં નામ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.

(6:41 PM IST)