News of Sunday, 11th October 2026
રખડતા ઢોરનો કહેર: અલગ-અલગ ઘટનાઓમાં રસ્તા પર ૨ લોકોએ જીવ ગુમાવતા શહેરીજનોમાં આક્રોશ
આખલાઓની લડાઈ અને વાહન ટક્કરમાં બે નાગરિકોના મોત બાદ મહાનગરપાલિકાના ઢોરમુક્ત શહેરના દાવા સામે ગંભીર સવાલો ઊભા થયા

નવસારી : શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વકરી રહ્યો છે ત્યારે બે જુદી-જુદી ઘટનાઓમાં બે લોકોના મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. નવસારીના સિંધી કેમ્પ વિસ્તારમાં સાઈબાબા ડેરી પાસે બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું, જેમાં અચાનક અડફેટે આવી જતાં ઈજાગ્રસ્ત થયેલા યોગેશ પટેલ નામના આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી ઘટનામાં એરુ ગામે રસ્તા પર અચાનક સામે આવેલા પશુ સાથે મોટરસાઈકલ અથડાતાં પ્રણવ પરમાર નામના યુવકને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેણે પણ પ્રાણ ગુમાવ્યા હતા.
શહેરના રસ્તાઓ પર મુક્તપણે ફરતા અને અડીંગો જમાવીને બેસતા પશુઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે સતત જીવનું જોખમ ઊભું થઈ રહ્યું છે. ખાસ કરીને ગીચ વિસ્તારોમાં આખલાઓની લડાઈ દરમિયાન નિર્દોષ નાગરિકો ઝપેટમાં આવી જતાં લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. એક જ દિવસમાં અલગ-અલગ સ્થળે બનેલી આ બંને ઘટનાઓએ સ્થાનિક રહીશોમાં તીવ્ર રોષ જગાવ્યો છે અને રસ્તાઓ પરથી રખડતા ઢોર મુક્ત કરાવવા અંગે તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને રખડતા ઢોરમુક્ત બનાવવાની દિશામાં મોટી-મોટી કામગીરી અને દાવાઓ કરવામાં આવી રહ્યા છે. જોકે, બે નાગરિકોના કરુણ મોતથી પાલિકાની કામગીરી અને દાવાઓની વાસ્તવિકતા છતી થઈ ગઈ છે. રખડતા ઢોરને પકડવા માટે તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ અને તેની સામે મળતા શૂન્ય પરિણામોને લઈને પણ હવે વિરોધના સૂર ઊઠી રહ્યા છે, જેના કારણે મહાનગરપાલિકાના વહીવટ સામે સવાલો ઊભા થયા છે.
આ કરુણ દુર્ઘટનાઓ બાદ સ્થાનિક પોલીસે અકસ્માતે મોતના ગુના નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. બીજી તરફ, ભવિષ્યમાં આવી જીવલેણ ઘટનાઓ ન બને તે માટે પાલિકા તંત્ર દ્વારા તાકીદે સ્પેશિયલ ઢોર પકડ પાર્ટી બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઢોર ડબ્બે પૂરવાની કામગીરી કડક કરવાની માંગણી કરવામાં આવી રહી છે. હવે મહાનગરપાલિકા વહીવટી તંત્ર આ દિશામાં કેવા કડક પગલાં ભરે છે તેના પર સમગ્ર નવસારી શહેરની નજર મંડાયેલી છે.
(3:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
