તા. ૧૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૨ રવિવાર
News of Saturday, 28th November 2026
રાજકોટની પી.ડી.યુ. અને ગોત્રીની GMERS મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે કડક કાર્યવાહી : એન્ટી રેગિંગ કમિટી દ્વારા કુલ 19 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા
પ્રથમ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગની ફરિયાદ બાદ તાત્કાલિક બેઠક બોલાવી રાજકોટના 14 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય તેમજ હોસ્ટેલમાંથી અને ગોત્રીના 5 વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવાનો આકરો નિર્ણય

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર : રાજ્યની બે નામાંકિત મેડિકલ કોલેજો, રાજકોટ સ્થિત પી.ડી.યુ. મેડિકલ કોલેજ અને ગોત્રી સ્થિત જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના એમબીબીએસ (MBBS)ના વિદ્યાર્થીઓ પર થયેલા રેગિંગની ફરિયાદો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. બંને કોલેજોમાં મળેલી ફરિયાદોના આધારે તાત્કાલિક અસરથી એન્ટી રેગિંગ કમિટીની મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં ગહન ચર્ચા બાદ જવાબદાર ઠરેલા કુલ 19 વિદ્યાર્થીઓ સામે સસ્પેન્શન સહિતના કડક શિક્ષાત્મક પગલાં ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પી.ડી.યુ. મેડિકલ કોલેજ રાજકોટ ખાતે પ્રથમ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓ ઉપર થયેલા રેગિંગ અંગે મળેલી ફરિયાદ અન્વયે મળેલી એન્ટી રેગિંગ કમિટીની બેઠકમાં કુલ 14 વિદ્યાર્થીઓને અલગ-અલગ સમયગાળા માટે સજા ફટકારવામાં આવી છે. કમિટીના નિર્ણય મુજબ દ્વિતીય અને તૃતીય વર્ષના 7 વિદ્યાર્થીઓને 2 મહિના માટે શૈક્ષણિક કાર્ય અને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દ્વિતીય વર્ષના 2 વિદ્યાર્થીઓને 1 મહિના માટે શૈક્ષણિક કાર્ય અને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયો છે, જ્યારે દ્વિતીય વર્ષના અન્ય 5 વિદ્યાર્થીઓને 2 અઠવાડિયા માટે શૈક્ષણિક કાર્ય અને હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બીજી તરફ, જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ગોત્રી ખાતે પણ પ્રથમ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓ સાથે થયેલા રેગિંગની ફરિયાદ મળતા તાત્કાલિક એન્ટી રેગિંગ કમિટીની મીટિંગ બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર કુલ 5 વિદ્યાર્થીઓને સજા કરવામાં આવી છે, જેમાં તૃતીય વર્ષના 5 વિદ્યાર્થીઓને 6 મહિના માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. બંને મેડિકલ કોલેજોના અહેવાલ-રિપોર્ટ મુજબ આકરી કાર્યવાહી હાથ ધરાતા રેગિંગ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
