તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 7th May 2026
અમદાવાદના અસારવા અને ચમનપુરા વિસ્તારમાં માંસ અને મટનના વેચાણ પર કડક પ્રતિબંધ :બર્ડ હીટ ટાળવા નિર્ણય
એરપોર્ટની નજીક હોવાને કારણે પક્ષીઓનો જમાવડો ન થાય અને પ્લેનની સુરક્ષા જોખમાય નહીં તે હેતુથી આ મોટો નિર્ણય :નિયમનો ભંગ કરનાર વેપારીઓ સામે પોલીસ ફરિયાદ સુધીના કડક પગલાં લેવાની ચીમકી

અમદાવાદના અસારવા અને ચમનપુરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા માંસ અને મટનના વેચાણ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એરપોર્ટની નજીક હોવાને કારણે પક્ષીઓનો જમાવડો ન થાય અને પ્લેનની સુરક્ષા જોખમાય નહીં તે હેતુથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર વેપારીઓ સામે હવે પોલીસ ફરિયાદ સુધીના કડક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
અમદાવાદના આકાશમાં વિમાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના અસારવા વિસ્તારમાં આવેલા હોળી ચકલા અને ચમનપુરા જેવા ગીચ વિસ્તારોમાં માંસ, માછલી, ચિકન અને મટન જેવી નોનવેજ વસ્તુઓના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ વિસ્તારો સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટની અત્યંત નજીક આવેલા છે, જેના કારણે અહીં ખુલ્લામાં વેચાતા માંસને કારણે આકાશમાં પક્ષીઓનો જમાવડો વધતો જતો હતો. આ પક્ષીઓના કારણે 'બર્ડ હિટ'ની ઘટનાઓ બનવાનું જોખમ વધી જાય છે, જે વિમાનના ટેક-ઓફ અને લેન્ડિંગ સમયે મોટી દુર્ઘટના નોતરી શકે છે. પ્લેનની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન ન થાય તે માટે તંત્ર દ્વારા આ વિસ્તારોમાં નોનવેજ વેચનારાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે.
AMCના આરોગ્ય વિભાગ અને એસ્ટેટ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં સામે આવ્યું હતું કે હોળી ચકલા અને ચમનપુરામાં મોટા પાયે બિનઅધિકૃત રીતે અથવા ખુલ્લામાં માંસનું વેચાણ થઈ રહ્યું છે. તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હવેથી આ વિસ્તારોમાં કોઈ પણ વેપારી માંસ કે મટનનું વેચાણ કરી શકશે નહીં. જો કોઈ વેપારી આ પ્રતિબંધનો ભંગ કરતા ઝડપાશે, તો તેની સામે માત્ર દંડ જ નહીં પરંતુ સીધી પોલીસ ફરિયાદ નોંધવાની પણ તૈયારી કરવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા વારંવાર કરવામાં આવતી રજૂઆતો બાદ AMCએ આ કડક વલણ અપનાવ્યું છે. સ્થાનિક તંત્રના આ નિર્ણયથી એરપોર્ટની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા વધશે અને પક્ષીઓના ત્રાસમાં ઘટાડો થશે, જેનાથી વિમાન મુસાફરોની સુરક્ષામાં વધારો થશે. હાલમાં એસ્ટેટ વિભાગની ટીમો આ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરી રહી છે જેથી પ્રતિબંધનો અમલ ચુસ્તપણે કરાવી શકાય.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
