<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ભુપેન્‍દ્રભાઇ પટેલની કેબિનેટમાં તમામ મંત્રીઓને કડક સૂચનાઃ સરકારી ખર્ચમાં તાત્‍કાલિક કાપ મૂકો, પેટ્રોલ-ડીઝલનો બગાડ અટકાવો

લોકાર્પણ-ખાતમુહૂર્તમાં જવા છૂટ પણ પાછળ ગાડીઓના લાંબા કાફલા રાખવા પર સખત પ્રતિબંધઃ વહીવટમાં કરકસર લાવવા અને ‘વર્ક ફ્રોમ હોમ'ની સંભાવનાઓ ચકાસવા મુખ્‍યમંત્રીનો તમામ વિભાગોને મોટો આદેશ

અમદાવાદઃ ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલએ રાજયના વહીવટી તંત્ર અને મંત્રીમંડળને લઈને એક અત્‍યંત મહત્‍વનો અને કડક નિર્ણય કર્યો છે. સરકારી તિજોરી પરનો બોજો દ્યટાડવા અને વહીવટમાં પારદર્શિતા તેમજ કરકસર લાવવાના હેતુથી મુખ્‍યમંત્રીશ્રી એ તમામ મંત્રીઓને પોતાના વિભાગોમાં બિનજરૂરી ખર્ચ પર તાત્‍કાલિક કાપ મૂકવા સ્‍પષ્ટ આદેશો જારી કરી દીધા છે.

કેબિનેટ બેઠકમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલએ સરકારી વાહનોના વપરાશ પર વિશેષ ભાર મૂક્‍યો હતો. તેમણે તમામ વિભાગો અને મંત્રીઓને તાકીદ કરી છે કે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ તેમજ તેના પાછળ થતો આંધળો ખર્ચ કોઈપણ સંજોગોમાં ઘટાડવામાં આવે. બિનજરૂરી પ્રવાસો અને વાહનોનો દુરુપયોગ અટકાવવા માટે મંત્રીઓને સ્‍વનિયંત્રણ રાખવાની સૂચના અપાઈ છે.

મુખ્‍યમંત્રીશ્રીએ મંત્રીઓને વિવિધ સરકારી વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમોમાં હાજરી આપવાની પરવાનગી ચોક્કસ આપી છે, પરંતુ સાથે એક મોટી શરત પણ મૂકી છે. તેમણે કડક શબ્‍દોમાં નિર્દેશ આપ્‍યા છે કે આવા જાહેર કાર્યક્રમોમાં જતા સમયે મંત્રીઓની પાછળ સુરક્ષા કે પ્રોટોકોલના નામે દોડતા વાહનોના લાંબા-લચક કાફલા હવે જોવા મળવા જોઈએ નહીં. આ વીઆઈપી કલ્‍ચર પર બ્રેક લગાવી સામાન્‍ય જનતાને હેરાનગતિ ન થાય તે જોવાની જવાબદારી પણ મંત્રીઓની રહેશે.

 

આ બેઠકનો સૌથી ચોંકાવનારો અને આધુનિક વહીવટ તરફ ઈશારો કરતો નિર્ણય એ છે કે, મુખ્‍યમંત્રીશ્રીએ પ્રત્‍યેક મંત્રીને તેમના હસ્‍તકના વિભાગોમાં  ‘વર્ક ફ્રોમ હોમ' (WFH)ની સંભાવનાઓ ચકાસવા માટે આદેશ આપ્‍યો છે. કયા સ્‍ટાફ કે કઈ કામગીરી ઘરબેઠા ઓનલાઈન થઈ શકે તેમ છે, તેનો રિપોર્ટ તૈયાર કરવા જણાવાયું છે. જો આ સંભાવનાઓ સફળ રહેશે તો સરકારી કચેરીઓનો વહીવટી ખર્ચ, વીજળી અને અન્‍ય સ્‍ટેશનરીના ખર્ચમાં કરોડો રૂપિયાની બચત થઈ શકે તેમ છે.

(3:44 PM IST)