<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd July 2026

પ્રાકૃતિક ઉત્પાદનોને યોગ્ય બજાર અને પૂરતા ભાવો મળી રહે તે માટે સુદ્રઢ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ વ્યવસ્થા અનિવાર્ય છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

કાર્બન ક્રેડિટ ખેડૂતોની આર્થિક ઉન્નતિનો નવો સ્રોત બનશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી :રાજયભરમાં પ્રાકૃતિક કૃષિ અન્વયે કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા અર્થે લોકભવન ખાતે બેઠક યોજાઈ:પ્રાકૃતિક ઉત્પાદનોના બ્રાન્ડિંગ-માર્કેટિંગ, કાયમી વેચાણ કેન્દ્રો, બીજ સંશોધન અને પ્રભા બ્રાન્ડ અંગે વ્યાપક વિચાર-વિમર્શ

ગાંધીનગર :રાજ્યમાં ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના વ્યાપ અને તે અન્વયે થઈ રહેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરવા માટે આજે ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ઉત્પાદનોને યોગ્ય બજાર અને પૂરતા ભાવો મળી રહે તે માટે સુદ્રઢ માર્કેટિંગ અને બ્રાન્ડિંગ વ્યવસ્થા અનિવાર્ય છે. આ અંતર્ગત રાજ્યભરમાં શરૂ કરવામાં આવી રહેલા પ્રાકૃતિક કૃષિ પેદાશોના કાયમી વેચાણ કેન્દ્રો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને વધારાની આવક મળી રહે તે માટે કાર્બન ક્રેડિટ એક ઉત્તમ વિકલ્પ છે. કાર્બન ક્રેડિટના માધ્યમથી આર્થિક પ્રોત્સાહન મળવાથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ તરફ વધુ ઝડપથી આકર્ષિત થશે, જે રાજ્યમાં રાસાયણિક મુક્ત ખેતીના અભિયાનને નવી ગતિ આપશે.
રાજ્યના કૃષિ વિશ્વવિદ્યાલયો દ્વારા પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં કરવામાં આવી રહેલા વૈજ્ઞાનિક સંશોધનો અને ખાસ કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત બીજ સંશોધન અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે જ, પ્રાકૃતિક ઉત્પાદનો માટે વિકસાવવામાં આવેલી પ્રભા બ્રાન્ડ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યપાલના સાપ્તાહિક ગ્રામીણ સંપર્ક અભિયાન એટલે કે ગ્રામ કલ્યાણ કાર્યક્રમના સફળ આયોજન બાદ, સંબંધિત વિસ્તારોમાં ખેડૂતો માટે ખાસ પ્રાકૃતિક કૃષિ તાલીમ શિબિરોનું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો, જેથી તમામ ખેડૂત સુધી આ વૈજ્ઞાનિક પદ્ધતિ પહોંચાડી શકાય.
બેઠક દરમિયાન કૃષિ વિભાગ તેમજ રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા છેલ્લા એક મહિના દરમિયાન કરવામાં આવેલી કામગીરી, નવી પહેલો અને ફિલ્ડ વિઝિટના અહેવાલો રાજ્યપાલ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલશ્રી અને કૃષિ મંત્રીએ કામગીરીની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કરી આગામી સમય માટે જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા.
આ સમીક્ષા બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, લોકભવનના અગ્ર સચિવ અશોક શર્મા, રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આત્મા પ્રોજેક્ટ, પશુપાલન વિભાગ તેમજ કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(6:14 PM IST)