તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
ગાંધીનગર સેક્ટર 15 આંબેડકર હોસ્ટેલમાં વિદ્યાર્થીનો ગળેફાંસો ખાઈને આપઘાત
અમરેલીના કુકાવાવનો વતની અને ગાંધીનગરમાં રહી એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા 21 વર્ષીય રાજન ધાંધલે અગમ્ય કારણોસર જીવન ટૂંકાવ્યું

ગાંધીનગરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના જીવન પર માનસિક ભાર કે અગમ્ય કારણો હાવી થતા હોય તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના સેક્ટર 15 વિસ્તારમાં આવેલી આંબેડકર હોસ્ટેલમાં રહેતા એન્જિનિયરિંગના એક આશાસ્પદ વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે
મળતી વિગતો મુજબ, મૃતક યુવકની ઓળખ 21 વર્ષીય રાજન ધાંધલ તરીકે થઈ છે. રાજન મૂળ અમરેલી જિલ્લાના કુકાવાવ પંથકનો વતની હતો અને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે ગાંધીનગરમાં રહીને એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો. ગતરોજ હોસ્ટેલના રૂમમાં તેણે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે આ અંગે અન્ય વિદ્યાર્થીઓ અને હોસ્ટેલ સંચાલકોને જાણ થઈ ત્યારે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાને પગલે યુવકને તુરંત જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. યુવકના આપઘાતના સમાચાર અમરેલીમાં રહેતા તેના પરિવારને મળતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. હાલમાં ગાંધીનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી, યુવકે કયા સંજોગોમાં અને કયા કારણોસર આ પગલું ભર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ સુસાઈડ નોટ મળી આવી છે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
