તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
સુરતના VNSGU કેમ્પસ સ્થિત સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભોજનની ગુણવતાને લઈને વિદ્યાર્થિનીઓનો આક્રોશ ફાટી નીકળ્યો
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ની આગેવાનીમાં વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા શરૂ કર્યા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) કેમ્પસ સ્થિત સમરસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે પ્રાથમિક સુવિધાઓ અને ભોજનની ગુણવત્તાને લઈને વિદ્યાર્થિનીઓનો આક્રોશ ફાટી નીકળ્યો છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓને નિયમિતપણે અત્યંત હલકી ગુણવત્તાનું ભોજન અપાતું હોવાના આક્ષેપ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ની આગેવાનીમાં વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ પરિસરમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા શરૂ કર્યા હતા.
વિદ્યાર્થિનીઓનો ગંભીર આક્ષેપ છે કે સમરસ હોસ્ટેલમાં મેસ દ્વારા પીરસવામાં આવતું ભોજન બિનઆરોગ્યપ્રદ હોય છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય સામે સતત જોખમ ઊભું થાય છે. આ બાબતે હોસ્ટેલ તંત્ર તેમજ સંબંધિત વોર્ડનને અગાઉ અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ જ યોગ્ય સુધારો કરવામાં આવ્યો નહોતો. સત્તાધીશોના નકારાત્મક અને બેદરકાર વલણથી કંટાળીને આખરે વિદ્યાર્થિનીઓને રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવવાની ફરજ પડી હતી.
ABVP ના કાર્યકરો અને આગેવાનોની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં એકત્ર થયેલી ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ વોર્ડન તેમજ જવાબદાર વહીવટી તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થિનીઓએ સૂત્રો પોકારીને ભોજનનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સી સામે કડક પગલાં લેવા અને હોસ્ટેલમાં તાત્કાલિક પૌષ્ટિક તેમજ ગુણવત્તાયુક્ત ભોજન આપવાની વ્યવસ્થા કરવાની માંગણી દોહરાવી હતી.
ધરણા પર બેઠેલી વિદ્યાર્થિનીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જ્યાં સુધી ઉચ્ચ સત્તાધીશો સ્થળ પર આવીને કાયમી નિરાકરણની ખાતરી નહીં આપે અને મેસના ભોજનની ગુણવત્તાની તટસ્થ તપાસ નહીં કરે ત્યાં સુધી આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. સમગ્ર મામલો યુનિવર્સિટી પ્રશાસનના ધ્યાને આવતાં મામલો થાળે પાડવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
