<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

શાળાઓમાં વિદ્યાર્થીઓની જોખમી મસ્તી, મારામારી અને હિંસક વર્તન પર કડક પ્રતિબંધ:રિસેસ દરમિયાન દેખરેખ રાખવી પડશે

શાળામાં કોઈ પણ પ્રકારની અણધારી ઘટના બને તો તાત્કાલિક શાળાએ DEOને રિપોર્ટિંગ કરવું ફરજિયાત રહેશે :અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓ માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું.

અમદાવાદમાં શાળાઓમાં અભ્યાસ કરતાં નાના બાળકો સ્વભાવે મસ્તીખોર અને તોફાની હોય છે. પરંતુ ક્યારેક આવા બાળકોનું તોફાન તેમના માટે પણ જોખમકારક સાબિત થઈ શકે છે. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. આ સૂચના પ્રમાણે શાળાઓમાં બાળકોની જોખમી પ્રવૃતિઓ પર લગામ કસાશે.

શાળામાં રિશેષના સમયગાળામાં દરેક વિદ્યાર્થીઓની ગતિવિધિઓ પર બાજ નજર રાખવા અંગે શિક્ષકો અને આચાર્યોને ખાસ સૂચના આપવામાં આવી છે. તેમજ જિલ્લા શિક્ષણાધિકારીની સૂચના પ્રમાણે વિદ્યાર્થીઓને વિષયોના ભણતરની સાથે શિક્ષકોએ સલામત વર્તણૂકના પાઠ પણ ભણાવવાના રહેશે.

શાળાઓમાં રિશેષના સમયે બાળસહજ ભાવે મસ્તી કરતા જ હોય છે. આવી મસ્તી કયારે જીવલેણ સાબિત થાય તે કહેવું મુશ્કેલ છે. તેવી તમામ પ્રવૃતિઓ પર હવે કડક પ્રતિબંધ મૂકાશે, શાળામાં કોઈ પણ પ્રકારની અણધારી ઘટના બને તો તાત્કાલિક શાળાએ DEOને રિપોર્ટિંગ કરવું ફરજિયાત રહેશે. નહીં તો શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદમાં અગાઉ સેવન્થ ડે શાળામાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલાની ચિંતાજનક ઘટના બની હતી. આવી ઘટનાઓને લઈને હવે વિદ્યાર્થીઓની સુરક્ષા એક ગંભીર બાબત બની ગઈ છે. તેથી શિક્ષણ વિભાગને શાળાઓેને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, આ પ્રકારની ગંભીર બાબતોમાં શાળા સંચાલન મંડળ વિદ્યાર્થીઓની સુરક્ષામાં ચૂક કરશે તો તેમને ગંભીર બાબતો ભોગવવી પડશે.

શાળાઓએ આ બાબતોનું ફરજિયાત પાલન કરવું પડશે

  1. શારીરિક મસ્તી પર રોક: શાળાઓમાં છાત્રો વચ્ચે માનસિક અને શારીરિક ઈજા પહોંચાડે તેવી મસ્તી પર રોક.
  2. ગતિવિધિઓ પર ખાસ નજર: શાળામાં રિશેષ દરમિયાન વિદ્યાર્થીઓની ગતિવિધિઓ પર શિક્ષકોએ નજર રાખવી પડશે.
  3. વિદ્યાર્થીઓને ખાસ માર્ગદર્શન: શાળામાં આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને શિસ્ત, સુરક્ષા અંગે નિયમિત માર્ગદર્શન બેઠકોનું આયોજન.
  4. ઘટના અંગે તંત્રને જાણ : શાળા પરિસરમાં કોઈ અઘટિત ઘટના બને તો તાત્કાલિક તંત્રને જાણ કરવી.
  5. વિદ્યાર્થીઓની ખાસ તપાસ: શાળામાં પ્રવેશ કરતી વેળાએ વિદ્યાર્થીઓ પાસે હથિયારો જપ્ત કરવાં.
  6. શિસ્તભંગ કરવા છાત્રો સામે પગલાં: શાળામાં કે બહાર મારામારી કરતાં વિદ્યાર્થીઓ સામે કડક પગલાં
  7. ફર્સ્ટ એડ કિટ રાખવી: શાળામાં ફર્સ્ટ એડ કિટ ફરજિયાત પણે રાખવી.
  8. વિશેષ ટીમની નિમણૂક: શાળા લેવલે વિશેષ શિક્ષકોની નિમણૂક કરવી.
  9. જોખમી જગ્યાઓ પર પ્રતિબંધ: શાળાની અગાસી, લેબ કે બાંધકામને લગતી જોખમી જગ્યાઓ પર વિદ્યાર્થીઓનો પ્રવેશ બંધ.
  10. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવું: શંકાસ્પદ કે હિંસક વર્તણૂક કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી તેનું કાઉન્સિલિંગ કરવું.
  11. શાળામાં હિંસક કે ગંભીર ઘટનામાં વિલંબ કર્યા વગર પોલીસ અને શિક્ષણ વિભાગને તત્કાલ જાણ કરવી.

(1:57 PM IST)