<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

ગાંધીનગર સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ પાયાની સુવિધાઓ ન મળતાં ઉગ્ર વિરોધ :સચિવાલય ગેટ નંબર 1 પર ધસી આવ્યા

ખરાબ ભોજન અને પીવાના પાણીની અછતના ગંભીર આક્ષેપો:કોઈ વાત ન સાંભળતા રજાના દિવસે પણ સેંકડો વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો

ગાંધીનગર સ્થિત સરકારી સમરસ હોસ્ટેલમાં રહેતા સેંકડો વિદ્યાર્થીઓ પાયાની સુવિધાઓના અભાવે ઉગ્ર રોષ સાથે સીધા સચિવાલયના ગેટ નંબર 1 પાસે પહોંચ્યા હતા. આ ચકચારી દરમિયાન વિદ્યાર્થીઓએ હોસ્ટેલમાં પીવાનું શુદ્ધ પાણી અને યોગ્ય ભોજન ન મળતું હોવાનો આક્ષેપ કર્યો હતો. રવિવાર જેવો રજાનો દિવસ હોવા છતાં વિદ્યાર્થીઓ પોતાની વેદના વ્યક્ત કરવા સત્તાના મુખ્ય કેન્દ્ર સુધી પહોંચી ગયા હતા.

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ઉચ્ચ અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા સમરસ હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય દિવસોમાં સચિવાલય વિસ્તાર સુરક્ષાથી ઘેરાયેલો હોય છે, પરંતુ રજાના દિવસે અચાનક સેંકડો વિદ્યાર્થીઓ એકઠા થઈને સચિવાલયના મુખ્ય ગેટ નંબર 1 પાસે પહોંચી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી.

 

વિદ્યાર્થીઓએ હોસ્ટેલ વહીવટી તંત્ર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને તેમની ફરિયાદો ઉચ્ચ અધિકારીઓ સાંભળે તેવી માગણી કરી હતી. અચાનક થયેલા આ વિરોધને પગલે સચિવાલય ગેટ પર ફરજ બજાવતા સુરક્ષા કર્મચારીઓ અને સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો.

 

 

હોસ્ટેલમાં અભ્યાસ કરતા યુવાનોનું કહેવું છે કે સરકારી દાવાઓ માત્ર કાગળ પર સીમિત રહી ગયા છે. છેલ્લા લાંબા સમયથી તેમને પીવાના પાણી તેમજ દૈનિક જરૂરિયાતના પાણી માટે વલખાં મારવાં પડી રહ્યાં છે.

આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે તેઓએ હોસ્ટેલ વોર્ડન તેમજ સ્થાનિક અધિકારીઓને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. તેમ છતાં તેમની વાતોને કાને ધરવામાં આવતી નથી. ઉલટાનું, રજૂઆત કરનાર વિદ્યાર્થીઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની પણ ચર્ચાઓ સામે આવી છે.

જ્યારે હોસ્ટેલ સ્તરે કોઈ પણ સુનાવણી ન થઈ ત્યારે કંટાળીને વિદ્યાર્થીઓએ ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચીને પોતાની વ્યથા ઠાલવવાનો માર્ગ પસંદ કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જ્યાં સુધી ગુણવત્તાયુક્ત ભોજન અને પૂરતું પાણી નહીં મળે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.

 

સમરસ હોસ્ટેલમાં વિવિધ જિલ્લાઓમાંથી પ્રતિભાશાળી અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ ઉચ્ચ શિક્ષણ માટે આવે છે. આવી હોસ્ટેલોમાં જ્યારે પાયાની સુવિધાઓનો અભાવ સર્જાય છે, ત્યારે વિદ્યાર્થીઓની કારકિર્દી અને માનસિક સ્થિતિ પર માઠી અસર પડે છે.

(5:41 PM IST)