<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

નવી દિલ્હીના જંતર-મંતર ખાતે NSUI ના નેશનલ કોઓર્ડીનેટર દીયાબા રાજપૂતની ઉપસ્થિતિમાં 'છાત્રોં કી ગૂંજ' અભિયાન અંતર્ગત ભવ્ય પ્રોટેસ્ટ યોજાયો

શિક્ષણ ક્ષેત્રે વ્યાપેલા અન્યાય, પેપર લીક અને ભ્રષ્ટાચાર સામે યુવા આક્રોશ : 'સેવ એજ્યુકેશન, સેવ યોર ફ્યુચર' ના નારા સાથે વિદ્યાર્થીઓએ સંભાળ્યો મોરચો

રાજકોટ:દેશની રાજધાની નવી દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે દેશભરના વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાના શૈક્ષણિક અધિકારો, અસ્મિતા અને અસ્તિત્વની લડાઈ માટે એકાકાર થઈને વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) ના નેશનલ કોઓર્ડીનેટર તેમજ દિલ્હીના પૂર્વ પ્રભારી અને હાલ 'છાત્રોં કી ગૂંજ' રાષ્ટ્રીય અભિયાનના અમદાવાદ સિટી એમ્બેસેડર દીયાબા રાજપૂત આ રાષ્ટ્રીય વિરોધ પ્રદર્શનમાં સક્રિયપણે ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણમાં અન્યાય, પેપર લીક અને આર્થિક શોષણ સામે યુવાનોનો રોષ:
આજના સમયમાં દેશનો યુવા વર્ગ શિક્ષણ ક્ષેત્રે વધી રહેલા અન્યાય અને શોષણયુક્ત વાતાવરણમાંથી પસાર થઈ રહ્યો છે. વર્ષો સુધી તૈયારી કરતા વિદ્યાર્થીઓની મહેનત પર પેપર લીક, ભ્રષ્ટાચાર અને સત્તાધીશોની ઉદાસીનતાને કારણે પાણી ફરી વળે છે. પરીક્ષા પ્રણાલીની વ્યાપક અનિયમિતતાઓને લીધે યુવાનો ભારે માનસિક તણાવ, અનિશ્ચિતતા અને આર્થિક શોષણનો ભોગ બની રહ્યા છે. સિસ્ટમ દ્વારા યુવાનોના ભવિષ્ય સાથે કરવામાં આવતા અત્યાચાર સામે હવે વિદ્યાર્થીઓનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.

'સેવ એજ્યુકેશન, સેવ યોર ફ્યુચર' – મુખ્ય લડાઈ:
'છાત્રોં કી ગૂંજ' અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય 'સેવ એજ્યુકેશન, સેવ યોર ફ્યુચર' (શિક્ષણ બચાવો, તમારું ભવિષ્ય બચાવો) છે. શિક્ષણનું વ્યાપારીકરણ થવાથી ગરીબ અને મધ્યમવર્ગના હોશિયાર વિદ્યાર્થીઓને મેરિટ મુજબ તક મળતી નથી. આ આંદોલન માત્ર પરીક્ષાઓ પૂરતું સીમિત ન રહેતા શિક્ષણ ક્ષેત્રમાં ન્યાય, પારદર્શિતા અને સમાન તકો મેળવવાની ક્રાંતિ સમાન બની ગયું છે.

 સરકારને ચેતવણી અને આંદોલનના મુખ્ય લક્ષ્યો:
દિલ્હીના જંતર-મંતર ખાતેથી દીયાબા રાજપૂતે સરકાર અને પ્રશાસનને ચેતવણી આપતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે યુવા શક્તિ હવે શાંત બેસશે નહીં. તેમણે પોતાના નેતૃત્વ હેઠળ આંદોલનના મુખ્ય લક્ષ્યો સ્પષ્ટ કર્યા હતા:
જાગૃતિનું નિર્માણ: શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલા અન્યાય અને અત્યાચાર સામે વિદ્યાર્થીઓને સજાગ કરવા.
યુવાનોનું સંગઠન: શોષણ સામે અવાજ ઉઠાવવા દેશભરના વિદ્યાર્થીઓને એક મંચ પર એકત્રિત કરવા.
 સક્રિય નેતૃત્વ:અન્યાય સામે નમતું જોખવાના બદલે મોરચો સંભાળીને સક્રિય પરિવર્તન લાવવું.

અન્યાય સામેના આ સંઘર્ષમાં દિયાબા રાજપૂતે વિદ્યાર્થીઓની સાથે હરહંમેશ ઊભા રહેવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

(1:15 PM IST)