<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

જામની ગામે એસ.ટી. બસ સેવા શરૂ થતાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં ખુશી

ચીકદા તાલુકાના જામની ગામના વિદ્યાર્થીઓ અને મુસાફરોની લાંબા સમયથી ચાલતી મુશ્કેલીનો આવ્યો અંત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ચીકદા તાલુકાના જામની ગામના વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોને ડેડીયાપાડા તાલુકા તરફ આવવા-જવા માટે પૂરતી એસ.ટી. બસ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી લાંબા સમયથી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ખાસ કરીને શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ દૈનિક મુસાફરી કરતા મુસાફરોને ખાનગી વાહનો પર નિર્ભર રહેવાની ફરજ પડતી હતી.
     આ સમસ્યાને લઈને જામની ગ્રામ પંચાયતના સરપંચ ઉત્તમભાઈ વસાવા દ્વારા સંબંધિત જવાબદાર અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી ગામમાં એસ.ટી. બસ સેવા શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.
સરપંચની રજૂઆતને ધ્યાને લઈ સંબંધિત તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા જામની ગામ માટે એસ.ટી. બસ સેવા શરૂ કરવામાં આવી છે. બસ સેવા શરૂ થતાં ગામના વિદ્યાર્થીઓ, મુસાફરો અને ગ્રામજનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
એસ.ટી. બસ સેવા શરૂ થવાથી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે તેમજ ગ્રામજનોને ડેડીયાપાડા તાલુકા મથક સહિત અન્ય સ્થળોએ આવવા-જવામાં સરળતા રહેશે. સાથે જ ખાનગી વાહનો પરની નિર્ભરતા અને મુસાફરીના વધારાના ખર્ચમાં પણ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે જામની ગ્રામ પંચાયતના સરપંચ ઉત્તમભાઈ વસાવાએ બસ સેવા શરૂ કરવા બદલ સરકાર તથા સંબંધિત એસ.ટી. તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને ગ્રામજનોની લાંબા સમયથી રહેલી પરિવહનની સમસ્યાનું નિરાકરણ આવતા સંતોષ વ્યક્ત કર્યો હતો

(10:44 PM IST)