<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

પાલડી સબ પોસ્ટ ઓફિસમાં ૧૦ હજારની લાંચ લેતા સબ પોસ્ટ માસ્ટર પલ્લવી ઉપાધ્યાય એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

એન.ડી.સી. પાર્સલ કચેરી ખાતે ઓર્ડર ન કરવા બદલ માંગી હતી ૩૦ હજારની લાંચ : મહેસાણા એસીબી પીઆઈ એચ.જે. પટેલની ટીમે પાડેલી રેડમાં રંગેહાથ પકડાયા

અમદાવાદ:અમદાવાદના પાલડી સ્થિત સબ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા મહિલા સબ પોસ્ટ માસ્ટર પલ્લવીબેન કિરણકુમાર ઉપાધ્યાય (ઉં.વ. ૫૯, રહે. ઘાટલોડિયા, અમદાવાદ) રૂપિયા ૧૦,૦૦૦ની લાંચ લેતા લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (એસીબી)ના હાથ ઝડપાઈ ગયા છે.

ઘટનાની વિગતો અનુસાર, ફરિયાદી જાગૃત નાગરિકનો ઓર્ડર એન.ડી.સી. પાર્સલ કચેરી ખાતે ન કરવા માટે આક્ષેપિત સબ પોસ્ટ માસ્ટરે શરૂઆતમાં રૂપિયા ૩૦,૦૦૦ની લાંચની માગણી કરી હતી. ત્યારબાદ રકઝકના અંતે રૂપિયા ૧૦,૦૦૦ આપવાનું નક્કી થયું હતું. પરંતુ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે તુરંત જ એસીબીનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદના આધારે તા. ૧૯/૦૯/૨૦૨૬ના રોજ મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પટેલ તથા તેમની ટીમે પાલડી સબ પોસ્ટ ઓફિસ સ્થિત સબ પોસ્ટ માસ્ટરની ઓફિસમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. આયોજિત ટ્રેપ દરમિયાન આક્ષેપિત પલ્લવીબેન ઉપાધ્યાયે ફરિયાદી પાસેથી નક્કી કરાયેલી રૂપિયા ૧૦,૦૦૦ની લાંચની રકમ સ્થળ પર સ્વીકારતા જ એસીબીની ટીમે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. એસીબીએ લાંચની સંપૂર્ણ ૧૦,૦૦૦ની રકમ રિકવર કરી મહિલા અધિકારી સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:33 PM IST)