તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
રાજ્યના નવા મુખ્ય માહિતી કમિશ્નર તરીકે સુબ્રમણ્યમ આર. અય્યરે શપથ ગ્રહણ કર્યા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકભવન ખાતે પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા : મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત રાજ્યના નવા મુખ્ય માહિતી કમિશ્નર તરીકે સુબ્રમણ્યમ આર. અય્યરે શપથ ગ્રહણ કર્યા છે. ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે યોજાયેલા એક ગરિમાપૂર્ણ શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમને નિષ્ઠા અને પદના શપથ લેવડાવ્યા હતા.
આ શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, અગ્ર સચિવ હરીત શુક્લા, રાજ્યપાલના સચિવ મેહુલ કે. દવે સહિતના વરિષ્ઠ અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
નવા નિમાયેલા મુખ્ય માહિતી કમિશ્નર સુબ્રમણ્યમ આર. અય્યર વિશાળ પ્રશાસનિક અનુભવ ધરાવે છે. તેઓ આ પદ પૂર્વે રાજ્યના માહિતી કમિશ્નર તરીકે સફળતાપૂર્વક સેવા આપી ચૂક્યા છે. આ ઉપરાંત તેમણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સભ્ય, ભારતીય રેલવેની રાષ્ટ્રીય રેલવે ઉપયોગકર્તા સલાહકાર પરિષદના સભ્ય, પશ્ચિમ રેલવેની ઝોનલ રેલવે વપરાશકર્તા સલાહકાર સમિતિના સભ્ય તેમજ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC)ના ડાયરેક્ટર તરીકે પણ વિવિધ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે.
શપથ વિધિ સંપન્ન થયા બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તેમજ ઉપસ્થિત ઉચ્ચ અધિકારીઓ અને મહાનુભાવોએ સુબ્રમણ્યમ આર. અય્યરને આ નવી અને મહત્વની બંધારણીય જવાબદારી સંભાળવા બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
