તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 23rd August 2026
સુરતના તડકેશ્વર ખાતે આવેલી કાપડ બનાવતી ખાનગી કંપનીમાં અચાનક બોઈલર બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી
વિસ્ફોટ એટલો ભારે હતો આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો:સ્થાનિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી

સુરત જિલ્લાના તડકેશ્વર વિસ્તારમાં આગની ઘટના સામે આવી છે. તડકેશ્વર ખાતે આવેલી કાપડ બનાવતી જાણીતી ખાનગી કંપનીમાં અચાનક બોઈલર બ્લાસ્ટ થતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, 108 એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, તડકેશ્વરમાં આવેલી કાપડ ઉત્પાદન કરતી આ કંપનીમાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક બોઈલર વિભાગમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાની સાથે જ આગના ગોટેગોટા અને કાળા ડીબાંગ ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા. કાપડનો જથ્થો હોવાને કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખી કંપનીમાં આગ પ્રસરી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક સુમિલોન ફાયર ફાઈટર સહિત આસપાસના વિસ્તારમાંથી ફાઈટરો ઘટનાસ્થળે બોલાવી લેવાયા હતા. સુમિલોન ફાયર ફાઇટરના ભાવેશ ગામીતે જણાવ્યું કે, આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે અને સ્થિતિને નિયંત્રણમાં લેવાનો પ્રયાસ ચાલુ છે. જોકે, બોઈલર બ્લાસ્ટ કયા ટેકનિકલ કારણોસર થયો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી.
આ દુર્ઘટના બન્યા બાદ કંપની સત્તાવાળાઓ દ્વારા મીડિયા કર્મીઓને કંપની કેમ્પસમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યા હતા. પત્રકારોને અંદર જતા રોકવાને કારણે ઘટનાની ગંભીરતા અને અંદર રહેલા કામદારોની સુરક્ષાને લઈને અનેક સવાલો અને રહસ્ય ઘેરાયું છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
