તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
દેશ-દુનિયામાં સર્જાયેલી વિવિધ દુર્ઘટનાઓના મૃતકોના પરિવારોની વહારે પૂ. મોરારીબાપુ : ૧૧૭ દિવંગતોના વારસદારોને રૂ. ૧૭.૫૫ લાખની સંવેદના સહાય જાહેર
ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા પખવાડિયામાં બનેલી ૨૫ આકસ્મિક ઘટનાઓમાં જીવ ગુમાવનાર પ્રત્યેક મૃતકના પરિવારને રૂ. ૧૫,૦૦૦ની આર્થિક હૂંફ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ઈશ્વરિયા: પ્રદેશ, દેશ કે પરદેશમાં જ્યારે પણ કોઈ આકસ્મિક દુર્ઘટનામાં માનવીઓ કાળનો કોળિયો બને છે, ત્યારે તલગાજરડાના સંત પૂ. મોરારીબાપુ દ્વારા સંવેદના સહાય અર્પણ કરી પીડિત પરિવારોને આશ્વાસન આપવામાં આવે છે. ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા ૧૫ દિવસ દરમિયાન સર્જાયેલા ૨૫ જેટલા અકસ્માતોમાં ૧૧૭ વ્યક્તિઓના અકાળ મરણ થતા પૂ. મોરારીબાપુ દ્વારા ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. શ્રી ચિત્રકુટ ધામ તલગાજરડા અંતર્ગત પૂ. મોરારીબાપુએ તમામ દિવંગતોના વારસદારોને પ્રત્યેક મૃતક દીઠ રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૧૭,૫૫,૦૦૦ની સહાયતા રાશિ મોકલવાની જાહેરાત કરી છે.
વિવિધ રાજ્યોમાં બનેલી જીવલેણ દુર્ઘટનાઓની વિગત:
બાપુ દ્વારા જાહેર કરાયેલી આ સહાય યાદીમાં દેશભરના ગંભીર અકસ્માતોનો સમાવેશ થાય છે. જેમાં જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બસ અકસ્માતમાં ભોગ બનનાર ૧૫ યાત્રિકો, મહારાષ્ટ્રના થાણે ધોરીમાર્ગ પર અકસ્માતના ૧૧ મૃતકો અને છત્તીસગઢની વેદાંતા પાવર કંપનીમાં બોઇલર ફાટવાની ઘટનામાં જીવ ગુમાવનાર ૧૦ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પંજાબના ફતેહગઢ સાહિબમાં વાહન અકસ્માતમાં મૃત્યુ પામેલ ૬ વ્યક્તિઓ અને દિલ્હીના રોહિલા વિસ્તારમાં ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગમાં જીવ ગુમાવનાર ૨ માસૂમ બાળકોના પરિવારોને પણ સહાય પહોંચાડવામાં આવશે.
ગુજરાતમાં બનેલી કરુણ ઘટનાઓના મૃતકોને સહાય:
ગુજરાતમાં બનેલી વિવિધ ઘટનાઓમાં પણ બાપુએ સંવેદના દાખવી છે. લખતર ધોરીમાર્ગ પર અકસ્માતનો ભોગ બનેલા વિરમગામના ૭ પદયાત્રીઓ, વલસાડના કપરડા પાસેના અકસ્માતના ૭ મૃતકો અને નળ સરોવર-વિરમગામ માર્ગ પર અકસ્માતમાં જીવ ગુમાવનાર ૩ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જસદણના સાગર જળાશયમાં ડૂબી જવાથી મોતને ભેટનાર ૪ કિશોરો અને પાલિટાણાની શેત્રુંજી નહેરમાં ડૂબેલા અનિડાના ૧ કિશોરના પરિવારને પણ આર્થિક મદદ કરાઈ છે.
આ સાથે જ લીંબડીમાં આગની ઘટનામાં ૨ મૃતકો, રાણપુર પાસેના અકસ્માતમાં પીપરડીના માતા-પુત્ર, સુરતમાં થયેલા અલગ-અલગ અકસ્માતોના મૃતકો, સિહોરના ઈશ્વરિયા (આંબલા) અને સોનગઢના યુવાનો કે જેઓ પાણીમાં ડૂબી જવાથી અવસાન પામ્યા હતા, તે તમામ ૧૧૭ મૃતકોના આત્માની શાંતિ માટે પૂ. મોરારીબાપુએ પ્રાર્થના કરી રામસ્મરણ સાથે શ્રદ્ધાંજલિ અર્પી છે. તમામ પીડિત પરિવારોને આર્થિક સહાય મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
