તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
સુરત: કાપોદ્રામાં ડ્રેનેજ કામગીરીના પાપે સર્જાયો ૩૫ ફૂટ ઊંડો મોતનો ખાડો, ભરચક માર્ગે બીઆરટીએસ બસ ફસાતા તંત્રની પોલ ખુલી
શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે ભ્રષ્ટાચારનું મસમોટું ગાબડું: ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ યોગ્ય પુરાણ ન કરાતા ભરપૂર ટ્રાફિક વચ્ચે અચાનક રસ્તો બેસી જતાં મોટી દુર્ઘટના ટળી, જવાબદાર અધિકારીઓ અને મેયરની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ

સુરત: ડાયમંડ સિટી સુરતમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી અને નબળી ગુણવત્તાના કામના કારણે ફરી એકવાર સ્માર્ટ સિટીના દાવાઓની પોલ ખુલી ગઈ છે. કાપોદ્રા વિસ્તારમાં તાજેતરમાં જ પૂર્ણ કરવામાં આવેલી ડ્રેનેજ લાઈનની કામગીરી બાદ રસ્તાનું યોગ્ય પુરાણ ન કરવામાં આવતા અચાનક ૩૫ ફૂટ ઊંડો અને ૫૦ ફૂટ પહોળો વિશાળ ભુવો પડ્યો છે. આ અચાનક સર્જાયેલા જોખમી ખાડામાં એક બીઆરટીએસ (BRTS) બસના પાછળના ટાયર ફસાઈ ગયા હતા, જેના કારણે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી અને મુસાફરોનો આબાદ બચાવ થયો છે, પરંતુ આ ઘટનાએ શહેરના માર્ગોની સુરક્ષા અને તંત્રની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ તંત્ર દ્વારા રસ્તાને યોગ્ય રીતે સમતલ કરવાને બદલે માત્ર કામચલાઉ મરામત કરવામાં આવી હતી, જેના પરિણામે જમીન અંદરથી પોચી થઈ ગઈ હતી અને રસ્તો બેસી ગયો હતો.
આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા તુરંત જાણ કરવામાં આવી હોવા છતાં, સુરતના મેયર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં ન આવતા નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આક્ષેપ કર્યો છે કે કોર્પોરેશનના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત તેમજ ભ્રષ્ટાચારને કારણે આ રસ્તાઓ મોતની જાળ બની રહ્યા છે. હાલમાં તંત્ર દ્વારા આસપાસના વિસ્તારને કોર્ડન કરીને ખાડો પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોમાં હજુ પણ ભયનો માહોલ છવાયેલો છે. આ ઘટનાએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી-મોન્સૂન કામગીરી અને રોડ-રસ્તાની ગુણવત્તા પર અનેક સવાલો ખડા કર્યા છે.
(12:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
