News of Tuesday, 5th May 2026
સુરત એસીબીની સફળ ટ્રેપ : ઓલપાડ સીટી સર્વે કચેરીના શિરસ્તેદાર નિલેશભાઈ પાંડવ ૩૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
પીઆઈ આર.કે.સોલંકીએ લાંચનું છટકું ગોઠવી ભ્રષ્ટ કર્મચારીને દબોચ્યો : મદદનીશ નિયામક આર.આર.ચૌધરી અને ડેપ્યુટી ડાયરેક્ટર બળદેવ દેસાઈના માર્ગદર્શન હેઠળ ઓલપાડમાં કાર્યવાહી

સુરત:સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની સીટી સર્વે કચેરીમાં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એસીબી (લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો) દ્વારા શિરેસ્તેદાર તરીકે ફરજ બજાવતા નિલેશભાઈ બાલુભાઇ પાંડવને ૩૦૦૦ રૂપિયાની લાંચ લેતા સ્થળ પર જ ઝડપી લેવામાં આવ્યા છે. સરકારી કામકાજ માટે લાંચ માંગતા કર્મચારીઓ સામે એસીબીએ લાલ આંખ કરતા અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શું હતી સમગ્ર ઘટના?
આ કેસની વિગત મુજબ, ફરીયાદીના અસીલની મિલકતોના પ્રોપર્ટી કાર્ડમાં નામ ચઢાવવા માટે જરૂરી દસ્તાવેજો સાથે ત્રણ અલગ-અલગ અરજીઓ કરવામાં આવી હતી. આ અરજીઓની નોંધો પ્રમાણિત કરવાના બદલામાં સીટી સર્વે કચેરીના શિરેસ્તેદાર (વર્ગ-૩) નિલેશભાઈ પાંડવે એક અરજી દીઠ ૧૦૦૦ રૂપિયા લેખે કુલ ૩૦૦૦ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જાગૃત નાગરિક એવા ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે સુરત ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
એસીબીનું સફળ ટ્રેપ ઓપરેશન
ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા તારીખ ૦૫/૦૫/૨૦૨૬ના રોજ ઓલપાડ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટની ચેમ્બરની બહાર ખુલ્લા પેસેજમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી નિલેશભાઈ પાંડવે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ૩૦૦૦ રૂપિયાની લાંચ સ્વીકારી હતી. તે જ સમયે ટ્રેપિંગ અધિકારી આર.કે.સોલંકી (પોલીસ ઇન્સ્પેક્ટર, સુરત ગ્રામ્ય એસીબી) અને તેમની ટીમે આરોપીને રંગેહાથ પકડી પાડી લાંચની રકમ રિકવર કરી હતી.
ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ કાર્યવાહી
આ સમગ્ર ઓપરેશન સુરત એસીબી એકમના મદદનીશ નિયામક આર.આર.ચૌધરીના સુપરવિઝન હેઠળ કરવામાં આવ્યું હતું. વડોદરા એસીબીના નાયબ નિયામક અને ઇન્ચાર્જ અધિકારી બળદેવ દેસાઈ (IPS) ના માર્ગદર્શન હેઠળ આ સફળ ટ્રેપ પાર પાડવામાં આવી હતી. હાલ એસીબીએ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
