<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

સુરત ભાજપના ઉમેદવારનું ‘અલૌકિક’ શિક્ષણ: ૧૯૯૬માં MA પૂરું કર્યું અને ૧૯૯૭માં BA! ડિગ્રીના આ લોચા જોઈ આખું સુરત ગોથે ચડ્યું

ગ્રેજ્યુએશન પહેલા માસ્ટર્સની ડિગ્રી? સુધા પાંડેના સોગંદનામામાં મોટો છબરડો છતાં ફોર્મ મંજૂર, સોશિયલ મીડિયામાં ટ્રોલિંગનો મારો

સુરત: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાજપના એક મહિલા ઉમેદવારના શૈક્ષણિક લાયકાતના સોગંદનામાએ રાજકીય આલમમાં હાસ્ય અને વિવાદ બંને જગાવ્યા છે. સામાન્ય રીતે કોઈપણ વિદ્યાર્થી પહેલા BA (બેચલર ઓફ આર્ટ્સ) કરે અને પછી MA (માસ્ટર ઓફ આર્ટ્સ) કરે, પરંતુ સુરતના વોર્ડ નંબર ૨૯ના ઉમેદવાર સુધા પાંડેએ તો સમયના ચક્રને જ ઉલટું ફેરવી નાખ્યું હોય તેમ લાગે છે.
ગણિત જ ઉંધું પડ્યું: MA પહેલા, BA પછી!
સુધા પાંડેએ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરેલા સોગંદનામામાં દર્શાવ્યું છે કે તેમણે મધ્યપ્રદેશની રાની દુર્ગાવતી વિશ્વવિદ્યાલયમાંથી વર્ષ ૧૯૯૬માં MAનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તેમણે એ જ યુનિવર્સિટીમાંથી BAની ડિગ્રી ૧૯૯૭માં મેળવી હોવાનું લખ્યું છે. એટલે કે માસ્ટર્સ પત્યાના એક વર્ષ પછી તેમણે ગ્રેજ્યુએશન કર્યું! આ વિગતો વાયરલ થતા જ લોકો પૂછી રહ્યા છે કે શું આ કોઈ નવી શૈક્ષણિક પદ્ધતિ છે કે પછી સત્તાના જોરે કાયદાના ધજાગરા?
તંત્રની બેદરકારી સામે સવાલો
નવાઈની વાત એ છે કે ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીની નજરમાં આટલી મોટી ભૂલ કેમ ન આવી? આટલા ગંભીર છબરડા છતાં ફોર્મ મંજૂર થઈ જતાં વિપક્ષો અને જનતામાં તંત્રની કાર્યપ્રણાલી સામે અનેક શંકા-કુશંકાઓ જન્મી છે. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ આ ડિગ્રીને ‘મેજિકલ ડિગ્રી’ કહીને ભાજપ પર કટાક્ષ કરી રહ્યા છે.
ઉમેદવારનો બચાવ: "ટાઈપિંગની ભૂલ છે"
ચારેબાજુથી ઘેરાયેલા સુધા પાંડેએ આખરે મૌન તોડ્યું છે અને બચાવમાં ઉતરી આવ્યા છે. તેમણે મીડિયાને સ્પષ્ટતા કરી હતી કે આ માત્ર એક ‘ટેકનિકલ ખામી’ અને ‘ટાઈપિંગ મિસ્ટેક’ છે. તેમણે દાવો કર્યો છે કે તેમની પાસે તમામ અસલી સર્ટિફિકેટ્સ છે અને એફિડેવિટ તૈયાર કરવામાં ટાઈપિસ્ટ દ્વારા વર્ષ લખવામાં ભૂલ થઈ છે.
ભલે આ ટાઈપિંગ મિસ્ટેક હોય, પણ અત્યારે તો સુરતના રાજકારણમાં આ ‘ઉંધી ડિગ્રી’ ચર્ચાનો ગરમાગરમ વિષય બની ગઈ છે.

(6:47 PM IST)