<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

સુરતના વેપારી મહેશ ગઢીયાનો ફરી બાટલો ફાટ્યો! કહ્યું- 'અધિકારીઓ તમારા મામા-માસીના દીકરા થાય છે?'

​ટેક્સટાઇલ માર્કેટના પ્રશ્નો મુદ્દે તંત્ર અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે સળગતા સવાલો ઉઠાવતો વીડિયો વાયરલ

​સુરત :  કાપડ બજારના જાણીતા અને અવારનવાર વેપારીઓના પ્રશ્નો મુદ્દે અવાજ ઉઠાવતા વેપારી મહેશ ગઢીયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર તેમનો એક નવો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ સુરત મહાનગરપાલિકા (SMC) અને સીટકો (SITCO) ના અધિકારીઓની કામગીરી સામે લાલઘૂમ જોવા મળી રહ્યા છે. વેપારીઓએ ભોગવવી પડતી હાલાકીથી નારાજ થઈને તેમણે તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે.
​તંત્ર સામે આક્રોશ: 'અધિકારીઓ મામા-માસીના દીકરા થાય છે?'
​વાયરલ વીડિયોમાં મહેશ ગઢીયા સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પાર્કિંગ, સીલિંગ અને વહીવટી તંત્ર દ્વારા થતી કનડગત અંગે રોષ ઠાલવી રહ્યા છે. તેમણે તંત્રની ઢીલી નીતિ અને ઉદાસીનતા સામે સવાલ ઉઠાવતા વેધક શબ્દોમાં કહ્યું કે, "આ અધિકારીઓ તમારા મામા-માસીના દીકરા થાય છે કે જેમના પર કોઈ પગલાં લેવાતા નથી?" વેપારીઓ પ્રમાણિકતાથી ટેક્સ ચૂકવતા હોવા છતાં તેમની સમસ્યાઓનું કોઈ કાયમી નિવારણ કેમ નથી આવતું, તે બાબતે તેમણે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
​
​મહેશ ગઢીયાએ માત્ર સ્થાનિક અધિકારીઓ જ નહીં, પરંતુ સુરતના જ વતની અને રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સામે પણ સવાલોનો મારો ચલાવ્યો છે. તેમણે વીડિયોના માધ્યમથી રજૂઆત કરી છે કે સુરતના પ્રતિનિધિઓ સરકારમાં ઊંચા હોદ્દા પર હોવા છતાં, સુરતના વેપારીઓને રોજેરોજ નાની-મોટી વહીવટી સમસ્યાઓ માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. નેતાઓએ ચૂંટણી સમયે આપેલા વચનો અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે મોટો તફાવત હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.
​સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
​આ અગાઉ પણ વેપારીઓના હિતમાં અવાજ ઉઠાવી ચૂકેલા મહેશ ગઢીયાનો આ અંદાજ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. સુરતના અન્ય નાના-મોટા કાપડ વેપારીઓ પણ આ વીડિયોને શેર કરીને સૂર પુરાવી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક, પાર્કિંગ અને જીએસટી તેમજ કોર્પોરેશનના નિયમોના નામે જે કનડગત થાય છે તેનાથી વેપાર કરવો મુશ્કેલ બની ગયો છે. હવે જોવાનું એ રહેશે કે આ વાયરલ વીડિયો બાદ સુરત મહાનગરપાલિકા કે નેતાઓ તરફથી કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવે છે કે નહીં.

(4:59 PM IST)