તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Sunday, 26th April 2026
સુરતમા લોકશાહીના ભવ્ય પર્વની ઉજવણી; સી.આર. પાટીલથી પ્રફુલ પાનસેરિયા સુધીના રાજકીય દિગ્ગજોએ નિભાવી મતદાનની પવિત્ર ફરજ
કેન્દ્રીય જલશક્તિ મંત્રી પરિવાર સાથે શિશુવિહાર શાળાના બૂથ નં. 73 પર પહોંચ્યા; ધારાસભ્ય કુમાર કાનાણી, અરવિંદ રાણા, સાંસદ મુકેશ દલાલ, AAP નેતા મનોજ સોરઠીયાએ કર્યું મતદાન; સુરત મનપામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 43.52% મતદાન

સુરત તા.૨૬: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 અંતર્ગત સુરતમાં રવિવાર, 26 એપ્રિલના રોજ મતદાન પ્રક્રિયા યોજાઈ. જેમાં સામાન્ય નાગરિકથી માંડીને મોટા રાજકીય નેતાઓએ પોતાનો અમૂલ્ય મત આપીને લોકશાહીના પર્વની ઉજવણી કરી.
*સી.આર. પાટીલ પરિવાર સાથે મતદાન કેન્દ્રે*
કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલે સુરતમાં પરિવારજનો સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સી.આર. પાટીલ તેમના પરિવાર સાથે સુરત મહાનગરના વોર્ડ નં. 20 માં આવેલી શિશુવિહાર પ્રાથમિક શાળાના બુથ નં. 73માં મતદાન કરીને લોકશાહીના પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
મતદાન બાદ મંત્રી સી.આર. પાટીલએ જણાવ્યું હતું કે, "મતદાન એ રાષ્ટ્રસેવાનું મહત્વનું પગથિયું છે. મતદાનની તક એવી અમૂલ્ય તક છે, જે રાજ્ય અને દેશના નવનિર્માણ માટે યોગદાન આપવા પ્રેરે છે." તેમણે પ્રથમ વાર મતાધિકારનો ઉપયોગ કરનારા નવયુવાનોને પણ અભિનંદન આપ્યા હતા.
*ધારાસભ્ય-સાંસદોએ નિભાવી ફરજ*
વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વોર્ડ નં. 5માં પરિવાર સાથે મતદાન કરીને લોકોને વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી. સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ શાળા ક્રમાંક 58ના બુથ નંબર 28 નવાપુરા ખાતે મતદાન કર્યું. ધારાસભ્ય વિનુ મોરડીયા મોટી સંખ્યામાં લોકો સાથે માતૃભૂમિ વિદ્યાભવન ખાતે મતદાન કરવા પહોંચ્યા અને 100 ટકા મતદાનની અપીલ કરી.
સુરત લોકસભા સાંસદ મુકેશ દલાલે બદ્રીનાથ મંદિર સામે આવેલી જેડી ગોવિંદા સ્કૂલમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો. AAP પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પરિવાર સાથે સુરત ખાતે મતદાન કર્યું. સુરત મનપાની ચૂંટણીમાં અલ્પેશ કથીરિયા અને તેમની પત્ની કાવ્યા કથેરીયાએ મતદાન કર્યું. કાવ્યા કથીરિયા વોર્ડ નંબર ત્રણના ઉમેદવાર છે.
*આરોગ્ય મંત્રીએ કર્મચારીઓનો માન્યો આભાર*
આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. 2 મોટા વરાછા વિસ્તારના બૂથ પર જઈ મતદાન કર્યું. તેમણે સામાન્ય નાગરિકની જેમ લાઈનમાં ઊભા રહી મતાધિકારનો ઉપયોગ કર્યો. મંત્રીએ જણાવ્યું કે, "સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એ લોકશાહીનો પાયો છે. શહેર, ગામ, નગરના વિકાસ અને સુખાકારી માટે મતદાન કરવું એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે." તેમણે મતદાન મથક પર વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી ફરજ પરના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો.
*મતદાનની ટકાવારી*
સુરતમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 43.52% મતદાન નોંધાયું હતું. જ્યારે નગરપાલિકામાં 55.81% અને જિલ્લા પંચાયતમાં 3 વાગ્યા સુધી 54.31% મતદાન નોંધાયું હતું. તમામ રાજકીય નેતાઓએ મતદાન કરીને લોકોને વોટિંગ કરવા માટે પ્રેરિત કર્યા હતા.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
