તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Friday, 25th September 2026
૨૪ વર્ષથી વોન્ટેડ હત્યાના આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે સૌરાષ્ટ્રના રાજુલામાંથી ઉપાડી લીધો
અમદાવાદમાં પત્નીની હત્યા કરી, બિહાર, બંગાળ, ઝારખંડ, દિલ્હીમાં પણ છુપાયેલ, ગુજરાત (અમરેલી પંથકમાં ) આવવાનું ભારે પડ્યું: પીઆઇ વિજય ભરવાડની બાતમી આધારે સૌરાષ્ટ્રની ક્રાઇમ કુંડલીના માસ્ટર પીઆઇ હિતેશ ગઢવી અને ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફે ગારા કીચડ ખૂંદી પત્તો મેળવી લીધો સીપી વાંબાગ જમીર, એડી. સીપી કરણરાજ઼ વાઘેલાના માર્ગદર્શનમાં અને ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયાના નેતળત્વ અને એસીપી કિરણ મોદીના સંકલનમાં શરુ થયેલ વોન્ટેડ ઓપરેશન પાર્ટ ૨ પણ સફળતાના શિખરો સર કરી રહ્યું છે

રાજકોટ તા.૨૫: પોતાના જ વિક્રમો તોડવા માટે જાણીતી સુરત ડીસીબી અર્થાત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પોલિસ કમિશનર વાંબાગ જમીર, એડી. પોલિસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શન અને ડીસીપી ભાવેશ રોજિયાના નેતળત્વ અને એસીપી કિરણ મોદીના સંકલનમાં ઓપરેશન-૨ અંતર્ગત PI વિજય ભરવાડની બાતમી આધારે સૌરાષ્ટ્રની ક્રાઇમ કુંડળીનો વિશાળ અનુભવ ધરાવતા સુરત ક્રાઇમ બ્રાન્ચ PI હિતેશ ગઢવી અને ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફે ગારા કીચડ ખૂંદી અમદાવાદના ૨૪ વર્ષ જૂના મર્ડર કેસના વોન્ટેડ આરોપીને સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાંથી ઉઠાવી લીધો છે, અકિલા સાથેની વિશેષ વાતચીતમાં PI હિતેશ ગઢવીએ આ બાબતને સમર્થન પણ આપ્યું છે. પકડાયેલ આરોપી શેખર ઉર્ફે ચંદ્રશેખર સમીભાઈ ઉર્ફે સર્બી યાદવ (હાલ ઉ.વ. ૫૮) રહે. વોર્ડ નંબર ૯, આમતર પોસ્ટ લેમુઆબાદ, થાના પંડરક, જી. પટના, બિહાર. હાલ રહે. હિંડોળા ચોકડી પાસે આવેલ કનૈયા રેસિડેન્સી કોમ્પ્લેક્સ, રાજુલા, અમરેલીનો છે. શોધી કઢાયેલ ગુનો અમદાવાદ શહેર, જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન, ગુ.ર.નંબર - ૭૫/૨૦૦૨, ઈ.પી.કો. કલમ ૩૦૨, ૨૦૧ મુજબનો છે. ગુનાની હકીકત એવી છે કે આરોપી શેખરે તા. ૧૪/૧૧/૨૦૦૨ ના રોજ પોતાની પત્ની પ્રતિભા (ઉ.વ. ૩૫) ને તેના પ્રથમ પતિ સંજય પાટીલ સાથે છૂટાછેડા થયા હોવા છતાં સંબંધ રાખતી હોવાથી ગુસ્સામાં ગળું દબાવી મારી નાખી લાશને ઘરમાં મુકેલ પીપડામાં સંતાડી દીધી હતી. પીપડાને તાળું મારી ઘર બંધ કરી નાસી ગયો હતો. ચારેક દિવસ બાદ ઘરમાંથી ગંધ આવતા પોલીસે તાળું તોડી તપાસ કરતા પીપડામાંથી સડી ગયેલી લાશ મળી આવી હતી.
ઝીણવટભરી પૂછપરછમાં ખુલ્યું કે આરોપીએ મરણ જનાર પ્રતિભા પહેલા માયા નામની મહિલા સાથે લગ્ન કરેલા હતા, જે પ્રેગ્નેન્સી દરમ્યાન મરણ ગયેલ હતી અને તેનાથી એક દીકરી સંગીતા હતી. પ્રતિભાને પ્રથમ લગ્ન સંજય સાથે થયેલા અને તેનાથી બે દીકરી અને એક દીકરો હતો. બનાવના દિવસે આરોપી રાત્રે ૮ વાગ્યે નોકરી પરથી ઘરે આવેલ ત્યારે પ્રતિભા હાજર ન હતી અને જમવાનું પણ બનાવેલ ન હતું. અડધો-પોણો કલાક પછી આવતા જમવાનું ન બનાવવા અને સંજય સાથે સંબંધ ચાલુ રાખવા બાબતે બોલાચાલી થતા ગુસ્સામાં આવી ગળું દબાવી હત્યા કરી હતી. હત્યા બાદ રાતભર ઘરે રોકાઈ વહેલી સવારે બે દીકરા લલ્લન અને રાકેશને લઈ અમદાવાદ રેલવે સ્ટેશનથી હાવડા ટ્રેન પકડી પોતાના વતન જતો રહેલો હતો. ત્યારબાદ સને ૨૦૧૦ માં ત્રીજા લગ્ન રેઘુદેવી સાથે કરેલા છે.
પોલીસથી બચવા આરોપી કલકત્તા ખાતે વેલ્ડીંગનું કામ ૬-૭ વર્ષ કરેલ, ત્યારબાદ ઝારખંડ, ઓરિસ્સા, છત્તીસગઢ, ઈન્દોર, ઉત્તર પ્રદેશ, દિલ્હી ખાતે વેલ્ડીંગની મજૂરી કરતો હતો. હાલમાં ૧૫ દિવસ પહેલા જ રાજુલા ખાતે મજૂરીકામ કરવા આવેલો હતો. ભ્ત્ વિજય ભરવાડ નાઓએ છેલ્લા આઠ વર્ષની મહેનત બાદ આ કેસ શોધી કાઢવામાં સફળતા મેળવેલ છે.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
