તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ ધો- 9થી 12ના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે શાળાઓમાં ફરજિયાત સમિતિ રચવાનો આદેશ આપ્યો
પરીક્ષાનો તણાવ, પારિવારિક સમસ્યા, ડિપ્રેશન સહિતના સંકેતો દેખાય તો તાત્કાલિક કાઉંસેલીંગ કરાશે :આત્મહત્યા નિવારણ, મોટિવેશનલ સેમિનાર અને પરીક્ષાના દબાણ સામે વિદ્યાર્થીઓને તૈયાર કરવા વિશેષ માર્ગદર્શન અપાશે. માતા-પિતાને પણ બાળકોના વર્તન પર ધ્યાન આપવા અપીલ

સુરત જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું દબાણ, પારિવારિક સમસ્યાઓ, ડિપ્રેશન કે અન્ય કોઈ માનસિક તણાવના સંકેતો સમયસર ઓળખી શકાય તે માટે શાળા કક્ષાએ ફરજિયાત સમિતિ બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓમાં વધતા આપઘાતના બનાવોને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
જિલ્લાની શાળાઓમાં મેન્ટલ હેથ અને આત્મહત્યા નિવારણ અંગે વિશેષ સમિતિ રચવાની સૂચના આપવામાં આવી છે. આ સમિતિ વિદ્યાર્થીઓના વર્તન, અભ્યાસમાં અચાનક ઘટાડો, સતત ઉદાસીનતા, એકલતા કે તણાવ જેવા સંકેતો પર નજર રાખશે. કોઈ વિદ્યાર્થીમાં ચિંતાજનક લક્ષણો જણાય તો તેને તાત્કાલિક યોગ્ય કાઉંસેલીંગ આપવામાં આવે તેવી સ્પષ્ટ સૂચના શાળાઓને આપવામાં આવી છે.
ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા અને પરિણામને લઈને તણાવનું પ્રમાણ વધી શકે છે. તેથી વિદ્યાર્થીઓ પરીક્ષાના દબાણનો યોગ્ય રીતે સામનો કેવી રીતે કરી શકે, નિષ્ફળતાને કેવી રીતે સ્વીકારી શકે અને મુશ્કેલ પરિસ્થિતિમાં કોની મદદ લેવી તે અંગે ખાસ કાઉન્સેલિંગ કરવા જણાવાયું છે. શાળાઓમાં સમયાંતરે મોટીવેશનલ સેમિનાર યોજીને વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સકારાત્મક વિચારસરણી વધારવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
શાળાઓની સાથે માતા-પિતાએ પણ બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે. બાળકના વર્તનમાં અચાનક પરિવર્તન, ગુસ્સો, સતત ઉદાસી, અભ્યાસમાં રસ ઓછો થવો અથવા પરિવારથી દૂર રહેવા જેવા સંકેતોને સામાન્ય ન ગણવા સલાહ આપવામાં આવી છે. બાળકો સાથે ખુલ્લી વાતચીત કરી તેમની સમસ્યાઓ સમજવાનો પ્રયાસ કરવો જરૂરી છે.
જિલ્લા શિક્ષણાધિકારીની સૂચના બાદ શાળાઓ દ્વારા આ નિર્ણયની અમલવારી શરૂ કરવામાં આવી છે. શાળા સ્તરે વિદ્યાર્થીઓને સુરક્ષિત અને સહાયક વાતાવરણ મળે તેમજ કોઈ વિદ્યાર્થી માનસિક તણાવના કારણે ગંભીર પગલું ન ભરે તે આ સમગ્ર પહેલનો મુખ્ય ઉદ્દેશ છે.
(8:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
