<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

સુરત જિલ્લા પલસાણા પોલીસે ચોરાયેલી રિક્ષા ગણતરીના કલાકોમાં ચોર સાથે શોધી કાઢી

એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

સુરત જિલ્લાના બગુમરાની સુવર્ણ રેસિડેન્સીમાંથી ચોરાયેલી ઓટો રિક્ષા ગણતરીના કલાકોમાં ચોર સાથે પલસાણા પોલીસે શોધી કાઢી છે. આ ગુનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત ૪ એપ્રિલના રોજ રાત્રિના સમયે બગુમરા ગામની સુવર્ણ રેસિડેન્સીના પાર્કિંગમાંથી આ લીલા-પીળા કલરની બજાજ કંપનીની ઓટો રિક્ષા (નંબર: GJ-19-WB-6575) ચોરાઈ હતી. તેની અંદાજિત કિંમત ₹૧.૫૦ લાખ હતી. આ અંગે પલસાણા પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા અને વિભાગીય પોલીસ અધિકારી એચ.એલ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ઝીલરીયાએ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.
પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ, અમૃતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, ચોરીની રિક્ષા લઈને એક શખ્સ જોળવા ગામની પંચાયતથી પાટીયા તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી વર્ણન મુજબનાશખ્શને અટકાવ્યો હતો.
પોલીસે તપાસ કરતા રિક્ષાના એન્જિન અને ચેસિસ નંબર મેળ ખાતા હોવાનું જણાયું હતું. પકડાયેલા આરોપીનું નામ પુરોસત્તમ વિઠ્ઠલ પિંપળે (ઉં.વ. ૨૫) છે, જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો વતની છે અને હાલ બગુમરાની સુવર્ણ સોસાયટીમાં જ રહેતો હતો. પોલીસે તેની પાસેથી ચોરાયેલી રિક્ષા (GJ-19-WB-6575) કબ્જે કરી છે, જેની કિંમત ₹૧,૫૦,૦૦૦/- આંકવામાં આવી છે

 

(1:26 PM IST)