News of Monday, 4th May 2026
સુરતમાં ભેજાબાજ ઠગોએ લોકોને સસ્તામાં સોનું અપાવવા અને અસલ ચલણી નોટોને ડબલ કે ત્રણ ગણી કરવાની લાલચ આપી ઠગાઈ આચરી
પોલીસની સતર્કતાને કારણે આ ટોળકીના 3 સભ્યોને ઝડપી લેવાયા :1 કરોડની ફેક કરન્સી બનાવવા માટેના કાગળ અને કેમિકલ્સ જપ્ત

સુરત :શહેરમાં ઠગોની એક અનોખી મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે, જેમાં ભેજાબાજ ઠગોએ લોકોને સસ્તામાં સોનું અપાવવા અને અસલ ચલણી નોટોને કેમિકલના ઉપયોગથી ડબલ કે ત્રણ ગણી કરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ આચરી હતી. પોલીસની સતર્કતાને કારણે આ ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પાસેથી 1 કરોડની ફેક કરન્સી બનાવવા માટેના કાગળ અને કેમિકલ્સ જપ્ત કરવામાં આવ્યા છે.
સુરતના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રતલાલ નાથાણી નામના ફરિયાદીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ સુરેશભાઈ, સંજયભાઈ ઉર્ફે બંગાલી અને મુન્નાભાઈ નામના શખ્સોના સંપર્કમાં આવ્યા હતા. આ ઠગોએ તેમને વિશ્વાસમાં લીધા હતા કે તેમની પાસે બેંકમાં ગીરો મૂકેલું સોનું છે, જે તેઓ સસ્તા ભાવે છોડાવીને આપી શકે છે. આ લાલચમાં આવીને ફરિયાદીએ ઠગોને 3 લાખ રૂપિયા આપ્યા હતા. જોકે, લાંબા સમય સુધી સોનું ન મળતા જ્યારે ફરિયાદીએ ઉઘરાણી કરી, ત્યારે ઠગોએ તેમને એક નવી લાલચ આપી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ કેમિકલ અને ખાસ પ્રકારના કાગળનો ઉપયોગ કરીને અસલ નોટોને ડબલ કે ત્રણ ગણી કરી શકે છે. આ માટે તેમણે ફરિયાદીને ડેમો પણ બતાવ્યો હતો. જેમાં કોરા કાગળ અને કેમિકલ (પોટેશિયમ પરમેંગેનેટ)ના સોલ્યુશનનો ઉપયોગ કરીને નોટો બનાવવાનો ડોળ કરવામાં આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા આરોપીઓ પાસેથી 500 ના દરની 3 નકલી નોટો, કેમિકલની બોટલો અને મોટી સંખ્યામાં નોટોના માપના કોરા કાગળો મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, જો આ તમામ કાગળો પર છાપકામ કરવામાં આવ્યું હોત તો તે લગભગ 1 કરોડ રૂપિયાની કિંમતની નકલી નોટો બની શકી હોત.
આ ટોળકી માત્ર સુરત પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેમણે ઔરંગાબાદમાં 7 લાખની અને મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ આ રીતે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
(10:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
