News of Saturday, 16th May 2026
સુરત: કાનૂની આલમમાં ભારે ખળભળાટ: એડવોકેટ રહીમ શેખે સાથી મહિલા વકીલની માંગમાં સિંદૂર ભરી આચર્યું દુષ્કર્મ, છેતરીને બીજા લગ્ન કરી લેતા ફરિયાદ
ચોકબજારના ધારાશાસ્ત્રી રહીમ રજાક મુસલમાન વિરુદ્ધ બળાત્કાર અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ; વર્ષ 2018થી પ્રેમજાળમાં ફસાવી ઓફિસમાં જ મંગળસૂત્ર પહેરાવ્યું હોવાનો પીડિતાનો આક્ષેપ

સુરત :: ન્યાયના મંદિરમાં પીડિતોને ન્યાય અપાવવાનું કામ કરતા કાનૂની વ્યવસાયને શર્મસાર કરતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સુરતના ચોકબજાર વિસ્તારમાંથી સામે આવી છે. અહીં એક જાણીતા એડવોકેટ રહીમ રજાક મુસલમાન ઉર્ફે શેખ વિરુદ્ધ તેની જ સાથી મહિલા વકીલ (સહકર્મી) ને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની ખોટી લાલચ આપી વર્ષો સુધી શારીરિક શોષણ અને દુષ્કર્મ આચરવા બદલ ગુનો નોંધાયો છે. કાયદાના રક્ષક જ ભક્ષક બન્યાની આ ઘટનાએ ડાયમંડ સિટીના વકીલો અને કાનૂની વર્તુળોમાં મોટો સનાટો મચાવી દીધો છે.
૨૦૧૮ની મિત્રતા બની કાળમુખી: ઓફિસમાં જ રચ્યો લગ્નનો ઢોંગ
ચોકબજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર, ભોગ બનનાર યુવતી અને આરોપી એડવોકેટ રહીમ શેખ બંને વર્ષ ૨૦૧૮થી કાનૂની પ્રેક્ટિસ દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. સાથે કામ કરતા હોવાથી બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાઈ હતી, જેનો ફાયદો ઉઠાવી રહીમ શેખે યુવતીનો ભરોસો જીતવા માટે અનેક પ્રપંચો રચ્યા હતા. પીડિતાનો આરોપ છે કે રહીમે પોતાની કાનૂની ઓફિસની અંદર જ તમામ મર્યાદાઓ ઓળંગી યુવતીની માંગમાં સિંદૂર ભરી દીધું હતું અને ગળામાં મંગળસૂત્ર પહેરાવી તેને પોતાની પત્ની તરીકે સ્વીકારવાનો મોટો નાટક-ઢોંગ કર્યો હતો.
પત્ની તરીકે રાખી વારંવાર કર્યું શોષણ, છેલ્લે બીજી સ્ત્રી સાથે પરણી ગયો
લગ્ન કરવાનો પાકો ભરોસો આપી આરોપી એડવોકેટ રહીમ શેખે મહિલા વકીલની લાચારી અને ભોળપણનો લાભ ઉઠાવીને વર્ષો સુધી તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. જોકે, જ્યારે યુવતીએ સમાજની સામે વિધિવત લગ્ન કરવાનું અને હક આપવાનું દબાણ કર્યું, ત્યારે આરોપીએ અચાનક રંગ બદલ્યો હતો. રહીમે યુવતીને અધવચ્ચે પાયમાલ કરીને તરછોડી દીધી હતી અને છૂપી રીતે અન્ય સ્ત્રી સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો હતો. પોતાની સાથે થયેલી આ ભયાનક છેતરપિંડી અને વિશ્વાસઘાતનો અહેસાસ થતાં પીડિતાએ હિંમત ભેગી કરી આખરે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.
SC-ST સેલના DYSP એક્શનમાં: આરોપીને પકડવા ચક્રો ગતિમાન
આ ચકચારી કેસની ગંભીરતાને જોતાં તપાસ સીધી ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે. સુપરવિઝન કરી રહેલા SC-ST સેલના DYSP એન.વી. ઉપાધ્યાયે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, આરોપી રહીમ શેખે પોતાની જ સાથી મહિલા વકીલને કાનૂની દાવપેચમાં ફસાવી, લગ્નની ખોટી લાલચ આપી લાંબા સમય સુધી શારીરિક અને માનસિક શોષણ કર્યું છે. પીડિતાની ફરિયાદના આધારે ચોકબજાર પોલીસે કડક કલમો હેઠળ ગુનો નોંધી દીધો છે અને આરોપી વકીલની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
