<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

સુરત LCBની મોટી સફળતા : ખૂની હુમલા અને અપહરણના ગુનામાં ૬ વર્ષથી ફરાર આરોપી સમીર સાદીક મસ્તાન ઝડપાયો

રેન્જ આઈજી પ્રેમવીરસિંહ અને એસપી રાજેશ ગઢિયાની સૂચનાથી PSI એચ.સી. મસાણીની ટીમે કોસંબા ઓવરબ્રિજ નીચેથી વોન્ટેડ ગુનેગારને દબોચ્યો : PI એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

 સુરત:  સુરત જિલ્લામાં લાંબા સમયથી નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે શરૂ કરવામાં આવેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત સુરત ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૮થી નોંધાયેલા ખૂની હુમલા અને અપહરણ જેવા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપી સમીર સાદીક મસ્તાનને પોલીસે ૬ વર્ષ બાદ ઝડપી પાડ્યો છે.

 સમગ્ર ઘટના અને પોલીસ કાર્યવાહી:

દક્ષિણ ગુજરાત રેન્જ આઈજી પ્રેમવીરસિંહ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે અપાયેલા આદેશ બાદ, સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાની સૂચના હેઠળ વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવી હતી. એલ.સી.બી. પી.આઈ. એન.જી. પાંચાણીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. શૈલેષભાઇ માનસીંગભાઇ, હેડ કોન્સ્ટેબલ ચિરાગકુમાર અને પ્રહલાદસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે વોન્ટેડ આરોપી સમીર સાદીક મસ્તાન લીલા કલરનું ટી-શર્ટ પહેરીને કોસંબા ઓવરબ્રિજ નીચે ઉભો છે.

આ બાતમીના આધારે પીએસઆઈ એચ.સી. મસાણી અને તેમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી વોચ ગોઠવી હતી અને આરોપીને ચારે બાજુથી કોર્ડન કરી ઝડપી લીધો હતો.

 ગંભીર ગુનાઓમાં હતો સંડોવાયેલ:

ઝડપાયેલ આરોપી સમીર સાદીક મસ્તાન (રહે. રાંદેર, સુરત શહેર; મૂળ રહે. તરસાડી) વર્ષ ૨૦૧૮થી કોસંબા પોલીસ સ્ટેશનના બે અલગ-અલગ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો. તેની સામે ઇ.પી.કો. કલમ ૩૦૭ (ખૂની હુમલો), ૩૨૩, ૧૨૦(બી) તેમજ અન્ય એક કેસમાં ઇ.પી.કો. કલમ ૩૬૪ (અપહરણ), ૩૨૬ અને ૫૦૬(૨) મુજબના ગુનાઓ નોંધાયેલા હતા.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ પોતાના ગુનાઓની કબૂલાત કરી છે. હાલ સુરત ગ્રામ્ય એલ.સી.બી. અને પેરોલ ફર્લો શાખા દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સિસનો ઉપયોગ કરી આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કોસંબા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે. ૬ વર્ષથી ફરાર ખતરનાક ગુનેગાર પકડાતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

(10:05 AM IST)