<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

સુરત મ્યુનિસિપલ કમિશનર IAS એમ. નાગરાજનની લાલ આંખ : ભ્રષ્ટાચારી અને કામચોર કર્મચારીઓ માટે દેશમાં પ્રથમવાર કડક 'SOP' અમલી : વહીવટી શિસ્તનો નવો અધ્યાય શરૂ

ફરજમાં બેદરકારી કે ભ્રષ્ટાચાર કરનાર સામે હવે ગણતરીના દિવસોમાં જ શિસ્તભંગના પગલાં લેવાશે : 180 દિવસમાં તપાસ પૂર્ણ કરવી ફરજિયાત : આર્થિક નુકસાનની વસૂલાત પગારમાંથી થશે : નિવૃત્તિના 4 વર્ષ સુધી પણ કાર્યવાહીનો સામનો કરવો પડશે

 સુરત:  સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શક અને જવાબદારીયુક્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે મ્યુનિસિપલ કમિશનર IAS એમ. નાગરાજન દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સહિત દેશભરની મહાનગરપાલિકાઓના ઇતિહાસમાં પ્રથમ વખત વહીવટી શિસ્ત જાળવવા માટે આટલી વિગતવાર 'સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર' (SOP) તૈયાર કરવામાં આવી છે. આ નવી માર્ગદર્શિકા મુજબ, ફરજમાં બેદરકારી, અનધિકૃત ગેરહાજરી કે ભ્રષ્ટાચાર આચરનારા કર્મચારીઓ અને અધિકારીઓ સામે ચોક્કસ સમયમર્યાદામાં કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.

 

સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન અને મુખ્ય કચેરીમાં કર્મચારીઓની ગેરશિસ્ત અને કામચોરીની ઉઠતી ફરિયાદોને પગલે આ નિર્ણય લેવાયો છે. ખાસ કરીને ફિલ્ડ વર્ક સાથે જોડાયેલા કર્મચારીઓની અનધિકૃત ગેરહાજરી અને ફાઈલોના નિકાલમાં થતા વિલંબને રોકવા માટે કમિશનર એમ. નાગરાજન દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે.

 

 શિસ્તભંગની કાર્યવાહીના ચાર મુખ્ય તબક્કા:

નવી SOP મુજબ કાર્યવાહીને ચાર તબક્કામાં વહેંચવામાં આવી છે:

૧.  કારણદર્શક ખુલાસો:  કર્મચારીની ભૂલ કે ગેરહાજરી જણાતા ૧ થી ૩ દિવસની મહેતલ આપી લેખિત ખુલાસો માંગવામાં આવશે.

૨.  મેમો:  જો ખુલાસો અસંતોષકારક જણાશે, તો સત્તાવાર 'મેમો' અપાશે, જેનો જવાબ ૭ દિવસમાં આપવો પડશે.

૩.  શો-કોઝ નોટિસ:  મેમો બાદ સુધારો ન જણાય તો ૧૫ દિવસની મુદત સાથે નોટિસ ફટકારી ઠપકો કે નાણાકીય દંડની સજા કરાશે.

૪.  ચાર્જશીટ:  ગંભીર ગેરરીતિ કે લાંચ રુશ્વત જેવા કેસોમાં સીધી ચાર્જશીટ અપાશે, જેનો ૨૧ દિવસમાં જવાબ આપવો પડશે. એસીબી કે પોલીસ કેસમાં સીધી ચાર્જશીટની જોગવાઈ છે.

 

 તપાસમાં વિલંબ કરનાર અધિકારી સામે પણ દંડ:

ખાતાકીય તપાસના નામે વર્ષો સુધી પ્રક્રિયા ખેંચવાના લૂપહોલને નવી SOP દ્વારા બંધ કરવામાં આવ્યો છે. હવે કોઈપણ તપાસ ૧૮૦ દિવસમાં પૂર્ણ કરવી ફરજિયાત છે. જો તપાસ અધિકારી નિયત સમયમાં તપાસ પૂરી ન કરે અને તેના કારણો વ્યાજબી નહીં હોય, તો તપાસ કરનાર અધિકારી સામે પણ શિસ્તભંગના પગલાં લેવાશે.

 

 આર્થિક નુકસાનની વસૂલાત અને નિવૃત્તિ બાદ પણ કાર્યવાહી:

જો કોઈ કર્મચારીની નિષ્કાળજીને કારણે પાલિકાને આર્થિક નુકસાન થયું હશે, તો તે રકમ તેમના માસિક વેતનમાંથી વસૂલવામાં આવશે. ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠરનારને ફરજિયાત નિવૃત્તિ કે બરતરફ કરવાની પણ સખત જોગવાઈ છે. વધુમાં, તપાસથી બચવા સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લેનારાઓ માટે પણ માર્ગ બંધ કરવામાં આવ્યો છે. નિવૃત્તિ કે VRS લીધાના ૪ વર્ષ સુધી તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરી શકાશે.

 

 અપીલની તક:

કર્મચારીઓને પોતાનો પક્ષ રાખવા માટે પણ તક આપવામાં આવી છે. જો કર્મચારીને લાગે કે કાર્યવાહી અન્યાયી છે, તો તેઓ હુકમ મળ્યાના ૪૫ દિવસમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ અપીલ કરી શકશે. સામાન્ય ગેરહાજરી જેવા કેસોમાં રૂબરૂ સુનાવણી દ્વારા ઝડપી નિકાલ લાવવાની સૂચના અપાઈ છે.

સુરત મહાનગરપાલિકા અત્યાર સુધી સફાઈ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોડેલ ગણાતી હતી, પરંતુ હવે વહીવટી શિસ્ત બાબતે પણ દેશ માટે રોલ મોડેલ બનવા તરફ જઈ રહી છે. કમિશનર એમ. નાગરાજનના આ કડક વલણથી હજારો કર્મચારીઓમાં શિસ્તનો ભાવ જાગશે અને શહેરીજનોને વધુ સારી વહીવટી સેવાઓ પ્રાપ્ત થશે.

(9:41 AM IST)