તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
સુરત મનપાના આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશભાઈ નટવરલાલ મોદી પાણીની લાઈનનું બિલ મંજૂર કરવા ₹૪૫ હજારની લાંચ લેતા એસીબીના પીઆઈ કે જે ધડુકની ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા : જુઓ વિડીયો
મદદનીશ નિયામક આર આર ચૌધરી અને ઇન્ચાર્જ નાયબ નિયામક બી એમ પટેલના સુપરવિઝનમાં ઉધના ઝોન ઓફિસના ગેટ બહાર સફળ ઓપરેશન : અગાઉ ૨૦૨૧માં પણ રાંદેર ઝોનમાં ₹૧૫ હજારની લાંચ લેતા પકડાયેલા ભ્રષ્ટ અધિકારી બીજી વાર ટ્રેપ થયા

સુરત:સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા એક ભ્રષ્ટ વર્ગ-૨ ના અધિકારી વિરૂદ્ધ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા મોટી અને સફળ ટ્રેપનું આયોજન કરીને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ઉધના સાઉથ ઝોન ઓફિસના ગેટની બહાર જમણી બાજુ રોડની સાઇડમાં ગોઠવવામાં આવેલા લાંચના છટકામાં ઉધના ઝોનના આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશભાઈ નટવરલાલ મોદી (ઉંમર વર્ષ ૫૫) ને એસીબીની ટીમે ફરિયાદી પાસેથી ₹૪૫,૦૦૦/- ની લાંચ સ્વીકારતા સ્થળ પર જ દબોચી લીધા છે. એસીબીના આ પ્રચંડ દરોડાના કારણે સુરત મહાનગરપાલિકાના વહીવટી વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
પાણીની લાઇનના બિલ મંજૂર કરવા ₹૫૦ હજારની લાંચ માગી હતી:
આ સફળ ટ્રેપની વિગત એવી છે કે, આ કેસના ફરિયાદી એક જાગૃત નાગરિક છે, જેમણે સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોન વિસ્તારમાં પાણીની લાઇન નાખવાનું સરકારી કામ રાખ્યું હતું. આ કામ પૂર્ણ થયા બાદ તેના બિલના નાણાં મંજૂર કરવાની વહીવટી કાર્યવાહી કરવાના અવેજ પેટે આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશભાઈ મોદીએ ₹૫૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જો કે, ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલી રકઝકના અંતે લાંચની રકમ ₹૪૫,૦૦૦/- નક્કી કરવામાં આવી હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા બિલકુલ માંગતા ન હોવાથી તેમણે તાત્કાલિક એસીબી કંટ્રોલ રૂમનો સંપર્ક સાધીને આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.
ઉધના ઝોન ઓફિસના ગેટ પાસે એસીબીની ટીમે ગોઠવ્યું લાંચનું છટકું:
નાગરિકની ફરિયાદના આધારે સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) કે જે ધડુક અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. યોજના મુજબ, ઉધના સાઉથ ઝોન ઓફિસના ગેટની બહાર જમણી બાજુ રોડની સાઇડમાં ફરિયાદી પાસેથી લાંચની રકમ લેવા માટે આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશભાઈ મોદી પહોંચ્યા હતા. તેમણે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી નક્કી થયેલી લાંચની રકમ ₹૪૫,૦૦૦/- ની માંગણી કરીને જેવી પોતાના હાથમાં સ્વીકારી, તેવી જ રીતે આસપાસ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેમને રંગેહાથ પકડી પાડી ગુનો દાખલ કર્યો હતો. એસીબીએ લાંચની સંપૂર્ણ ₹૪૫,૦૦૦/- ની રકમ ઘટનાસ્થળેથી રિકવર કરી લીધી છે.
વર્ષ ૨૦૨૧માં પણ ડ્રેનેજ જોડાણની મંજૂરી માટે લાંચ લેતા પકડાયા હતા:
એસીબીની તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, પકડાયેલા આક્ષેપિત અધિકારી જીજ્ઞેશભાઈ મોદી અગાઉ સને-૨૦૨૧ માં રાંદેર ઝોનમાં આસિસ્ટન્ટ ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા. તે દરમિયાન ડ્રેનેજ કનેક્શનના જોડાણની મંજૂરી આપવાની કાર્યવાહી કરવાના બદલામાં ₹૧૫,૦૦૦/- ની લાંચ લેતા તેઓ સુરત શહેર એસીબીના હાથે જ ઝડપાઈ ગયા હતા અને તેમની વિરૂદ્ધ ગુનો પણ રજીસ્ટર થયો હતો. આમ, ભૂતકાળમાં જેલના સળિયા પાછળ જઈ આવેલા આ જ અધિકારી બીજી વખત લાંચ લેતા પકડાતા તેમની ભ્રષ્ટ માનસિકતા છતી થઈ છે.
ઉચ્ચ અધિકારીઓના સીધા સુપરવિઝન હેઠળ કાયદેસરની કાર્યવાહી:
આ સમગ્ર ટ્રેપિંગ ઓપરેશન સુરત એકમના મદદનીશ નિયામક આર આર ચૌધરી અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો વડોદરાના ઇન્ચાર્જ નાયબ નિયામક બી એમ પટેલના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું છે. એસીબીની ટીમે ભ્રષ્ટ આસિસ્ટન્ટ ઇજનેર જીજ્ઞેશભાઈ મોદી વિરૂદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
