News of Saturday, 25th July 2026
પૂર બાદ નવસારીની મદદમાં સુરત મનપાની દેવદૂત જેવી એન્ટ્રી: ૧૦૦ આરોગ્યકર્મી અને જેસીબીનો કાફલો રવાના
દક્ષિણ ગુજરાતમાં ભારે આફત વચ્ચે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાહત, બચાવ અને રોગચાળો અટકાવવા માટે યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરાઈ

નવસારી : દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં તાજેતરમાં આવેલા ભયાનક પૂરની ગંભીર પરિસ્થિતિને થાળે પાડવા માટે સુરત મહાનગરપાલિકા આગળ આવી છે. રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ સુરત મનપાએ શનિવારે પૂરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોની મદદ અર્થે પોતાની ખાસ રાહત અને બચાવ ટીમોને નવસારી રવાના કરી દીધી છે. પૂરના પાણી ઓસર્યા બાદ વિસ્થાપિત થયેલા લોકોને ઝડપી મદદ પહોંચાડવી, અટવાયેલાઓને ઉગારવા અને રોગચાળો ફેલાતો અટકાવવો એ આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
પૂરના પાણીમાં ફસાયેલા સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સુરત ફાયર વિભાગની ૨ વિશેષ ટીમોના ૧૪ તાલીમબદ્ધ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ૧ હાઈ-ટેક ફાયર એન્જિન તેમજ ૧ અત્યાધુનિક વોટર બાઉઝર વિથ બૂમ મોનિટર જેવા સાધનો નવસારી મોકલવામાં આવ્યા છે. આ ટીમો સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન સાધીને બચાવ કામગીરી હાથ ધરી રહી છે.
પૂરના પાણી ઓસર્યા બાદ વિસ્તારમાં ગંદકી અને કાંપને કારણે રોગચાળો ન ફેલાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સુરત મનપાના આરોગ્ય અને ઘન કચરા વ્યવસ્થાપન વિભાગના ૧૦૦થી વધુ કર્મચારીઓ અને આરોગ્યકર્મીઓની ફૌજ કામગીરી માટે ખડેપગે તૈનાત કરવામાં આવી છે. આ ટીમો દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને સેનિટાઈઝેશન હાથ ધરાશે.
કાટમાળ હટાવવા અને રાહત સામગ્રી પહોંચાડવાની પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવા માટે મોટા પાયે ભારે મશીનરીનો ઉપયોગ શરૂ કરાયો છે. આ કામગીરી માટે ૧૦ જેસીબી (JCB), ૨૦ ટ્રેક્ટર અને ટેમ્પો તેમજ ૫ મોટા ટ્રક સહિતના વાહનોનો કાફલો નવસારીના અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલી દેવામાં આવ્યો છે. આ વાહનોની મદદથી માર્ગો પરથી મળબો દૂર કરી રસ્તાઓ ખુલ્લા કરવામાં આવી રહ્યા છે.
સ્થાનિક સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરતથી આવેલી તમામ ટીમો નવસારી જિલ્લા કલેક્ટર અને સ્થાનિક વહીવટીતંત્રના સીધા સંપર્કમાં રહીને સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓ, પીવાનું શુદ્ધ પાણી અને સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરીને અસરગ્રસ્તોને પુનઃ સામાન્ય જીવન તરફ લાવવા માટે તમામ તંત્ર સક્રિયપણે કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી અને પૂરના કારણે ૧૫ લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ સાંપડ્યા હતા. હાલમાં પાણી ઓસરવાનું શરૂ થતાં જ વહીવટીતંત્ર દ્વારા રાહત-બચાવ બાદ હવે રોગચાળો નિયંત્રણમાં રાખવા અને અસરગ્રસ્તોને સહાય પહોંચાડવાની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
