<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th April 2026

સુરત PCBની મોટી સફળતા : વરાછા પોલીસ લોકઅપમાંથી ભાગી ગયેલો વિનય ધોબી 21 વર્ષે મુંબઈથી ઝડપાયો : PI આર.એસ.સુવેરાની ટીમે હાથ ધરી કાર્યવાહી

​વર્ષ 2005માં વાહન ચોરીના ગુનામાં પકડાયા બાદ બારીની ગ્રીલ પર ચાદર બાંધીને ફરાર થયેલા આરોપીને ASI હસમુખ મોહન અને HC અશોક લુણીએ ટેકનિકલ સર્વેલન્સની મદદથી દબોચ્યો : ચૂંટણી પૂર્વે નાસતા-ફરતા તત્વો સામે ઝુંબેશ

​સુરત:સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2026 ને ધ્યાનમાં રાખીને શહેરના ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે કડક સૂચના આપવામાં આવી છે. આ સૂચનાના અમલીકરણના ભાગરૂપે પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) ના પોલીસ ઈન્સ્પેક્ટર આર.એસ.સુવેરા અને તેમની ટીમે વર્ષોથી પોલીસને થાપ આપી રહેલા વોન્ટેડ ગુનેગારોની માહિતી એકત્ર કરવાની શરૂઆત કરી હતી. આ તપાસ દરમિયાન 21 વર્ષ પહેલા વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાંથી ભાગી ગયેલો એક આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

​લોકઅપની બારીમાંથી ચાદર બાંધીને થયો હતો ફરાર:
ઘટનાની વિગત મુજબ, વર્ષ 2005માં વિનય સરમનલાલ ઉર્ફે અમરતલાલ ધોબી (દિવાકર) અને તેના મિત્ર અમીતસિંહ પરીહારને વરાછા પોલીસ દ્વારા વાહન ચોરીના ગુનામાં પકડવામાં આવ્યા હતા. પૂછપરછ માટે તેઓને લોકઅપની બાજુના રૂમમાં રાખવામાં આવ્યા હતા. તે સમયે ત્યાં કોઈ પોલીસ હાજર ન હોવાનો લાભ ઉઠાવી, આ આરોપીઓએ રૂમની બારીની ગ્રીલ પર ચાદર બાંધી બારી વાટે ભાગી છૂટ્યા હતા. આ અંગે વરાછા પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો. કલમ 224 મુજબ ગુનો નોંધાયો હતો અને વિનય ત્યારથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો.

​મુંબઈના બદલાપુરથી PCBએ દબોચ્યો:
પીસીબીના પીએસઆઈ એસ.આર.પટેલની ટીમ જ્યારે નાસતા-ફરતા આરોપીઓની તપાસમાં હતી, ત્યારે એએસઆઈ હસમુખ મોહન અને હેડ કોન્સ્ટેબલ અશોક લુણીને ચોક્કસ બાતમી મળી હતી કે વોન્ટેડ વિનય ધોબી (ઉ.વ. 39) મહારાષ્ટ્રના થાણે-મુંબઈ વિસ્તારમાં નામ બદલીને રહી રહ્યો છે. પીઆઈ આર.એસ.સુવેરાએ બાતમીની ખરાઈ કર્યા બાદ આરોપીને પકડવા માટે ASI હસમુખ મોહન અને HC અશોક લાભુભાઈની ટીમ બનાવી મુંબઈ રવાના કરી હતી. આ ટીમે મુંબઈના બદલાપુર ડમ્પિંગ સ્ટેશન પાસે વોચ ગોઠવી આરોપી વિનયને સફળતાપૂર્વક ઝડપી લીધો હતો.

​આગળની કાર્યવાહી માટે વરાછા પોલીસને સોંપાયો:
મહારાષ્ટ્રમાં આશરો લઈ રહેલા આ આરોપીની અટકાયત કરી સુરત લાવવામાં આવ્યો છે. સુરત પીસીબીએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી, તેને આગળની તપાસ અને અટકાયત માટે વરાછા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે. 21 વર્ષ બાદ આરોપી પકડાતા પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

(4:05 PM IST)