<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, એડિશનલ સીપી કરણરાજ વાઘેલા અને ડીસીપી ભાવેશ રોજીયાની ટીમ એક્ટિવ મોડમાં : ખંડણીખોર કુખ્યાત બદમાશ આનંદસિંગ ઉર્ફે શોલેસિંગ બે પિસ્ટલ સાથે દબોચાયો : જુઓ વિડીયો

ઉત્તરપ્રદેશમાં પારિવારિક જમીન બાબતે મર્ડર, ફાયરિંગ અને દોઢ કરોડથી વધુની ખંડણીના ગુનાઓમાં વોન્ટેડ કુલ ૧.૫૦ લાખના ઇનામી આરોપીને હથિયારો સાથે ઝડપી પાડતી એન્ટી ઓર્ગેનાઈઝડ સ્કોડ

 રાજકોટ:  સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ચલાવવામાં આવી રહેલું 'નો વોન્ટેડ ઇન સુરત ક્રાઈમ' અભિયાન માત્ર કાગળ પર જ નહિ, પરંતુ વાસ્તવમાં એક્ટિવ મોડમાં હોવાનું વધુ એક વખત પુરવાર થયું છે. એડિશનલ પોલીસ કમિશનર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજીયાની ક્રાઈમ બ્રાંચની ટીમ પોતાના જ રેકોર્ડ બ્રેક કરી રહી છે. શહેરમાં ગેરકાયદેસર હથિયારો પકડી પાડવા માટે યોજાયેલી ખાસ ડ્રાઈવ અંતર્ગત ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની રાહબરી હેઠળ એન્ટી ઓર્ગેનાઈઝડ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ટીમે બાતમીના આધારે ખટોદરા ગોકુલનગરની બાજુમાં આવેલા બાયોડ્રાઈવર્સીટી પાર્કના ગેટની સામેથી એક કુખ્યાત અને ખતરનાક બદમાશને ઝડપી પાડ્યો છે.

 

 બે દેશી પિસ્ટલ અને છ જીવતા કાર્ટીઝ જપ્ત કરાયા:

પોલીસે પકડેલા આરોપીનું નામ આનંદસિંગ ઉર્ફે શોલેસિંગ ઉર્ફે સચીનસિંગ અશોકસીંગ (જાતે ઠાકુર, ઉંમર વર્ષ ૨૬, રહેવાસી: રૂમ નંબર ૧, પરવેશ પાર્ક, પલસાણા, જિલ્લો: સુરત અને મૂળ રહેવાસી: ગામ લખોંવા, પોસ્ટ ફત્તેગંજ, થાના બકસા, જિલ્લો જોનપુર, ઉત્તરપ્રદેશ) છે. ક્રાઈમ બ્રાંચે આરોપીના કબજામાંથી હાથ બનાવટની દેશી પિસ્ટલ નંગ-૦૨ અને જીવતા કાર્ટીઝ નંગ-૦૬ કબ્જે કર્યા છે. આ મામલે આર્મ્સ એક્ટની કલમ-૨૫(૧-બી)એ તથા જી.પી.એક્ટની કલમ-૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

 

 શું છે શોલે ગેંગની ગુનો આચરવાની મોડસ ઓપરેન્ડી?

આરોપી આનંદસિંગ ઉર્ફે શોલેસિંગ ઉત્તરપ્રદેશના જોનપુરનો સૌથી મોટો બાહુબલી બનવા માંગતો હતો. આ માટે તેણે અલગ-અલગ ગુનેગારોને એકઠા કરી 'શૉલે ગેંગ' બનાવી હતી અને મોટા વેપારીઓ પાસે ફોન પર દોઢ કરોડથી વધુની ખંડણી માંગતો હતો. જો કોઈ રૂપિયા ન આપે તો ખોફ જમાવવા માટે આ ગેંગ સરેઆમ ફાયરિંગ કરતી અને તેનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરતી હતી. પોલીસ પકડથી બચવા માટે તે રહેઠાણના સ્થળથી ૫૦ થી ૧૦૦ કિલોમીટર દૂર જઈને અલગ-અલગ સિમકાર્ડનો ઉપયોગ કરતો અને વારંવાર પોતાના ઘર બદલી નાખતો હતો. તે ઉત્તરપ્રદેશમાં ગુના આચરીને સુરતમાં ચોરીછૂપીથી આવીને રહેતો હતો, જ્યાં તે અગાઉ ટેલરીંગ અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી ચૂક્યો હોવાથી અહીંના વિસ્તારોથી પરિચિત હતો.

 

 ઉત્તરપ્રદેશના આ પાંચ ગંભીર ગુનાઓમાં આરોપી વોન્ટેડ હતો:

 *  ૧. પ્રતાપગઢ (આસપુર દેવસરા પો.સ્ટે. - રૂ. ૫૦,૦૦૦ નું ઇનામ):  વર્ષ ૨૦排૫ માં કુખ્યાત અપરાધી સંદિપ ઉપાધ્યાય સાથેની દુશ્મનાવટમાં આરોપીએ તેના સાગરીતો લવ તિવારી, હરીશચંદ્ર તિવારી, શ્યામ મિશ્રા, નિતીને તિવારી, આશુતોષ ઉપાધ્યાય અને ત્રણ અજાણ્યા ઈસમો સાથે મળીને સોનુ ઉપાધ્યાયના ઘરે જઈ તેના પર ૩ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

 *  ૨. જોનપુર (બદલાપુર પો.સ્ટે.):  જાન્યુઆરી ૨૦૨૬ માં સેન્ટ જેવીયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ જોસેફ પાસે ૧ કરોડની ખંડણી માંગી ડરાવવા માટે સ્કૂલના ગેટ પર ૪ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

 *  ૩. જોનપુર (બદલાપુર પો.સ્ટે. - રૂ. ૧,૦૦,૦૦૦ નું ઇનામ):  ફેબ્રુઆરી ૨૦૨૬ માં બક્સાના એક બંગાલી ડોક્ટર પાસે જમીનની સેફ્ટી પેટે ૫૦ લાખની ખંડણી માંગી હતી અને ન આપતા પિસ્ટલ વડે ૫ રાઉન્ડ ફાયરિંગ કરી પગમાં ગંભીર ઈજા પહોંચાડી હતી.

 *  ૪. જોનપુર (બદલાપુર પો.સ્ટે.):  સેન્ટ જેવીયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ જોસેફ તાબે ન થતાં ફરીથી ફોન પર ધમકી આપી બાઈક પર આવી સ્કૂલ પર ૨ રાઉન્ડ ફાયરિંગ કરી ફરી ૧ કરોડની ખંડણી માંગી હતી.

 *  ૫. જોનપુર (બક્સા પો.સ્ટે.):  દાદાના ખાતામાંથી ૨ લાખ રૂપિયા ખોટી રીતે ઉપડી ગયાનો બેંક મેનેજર પર શક વહેમ રાખી ૨ લાખની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

 

 પારિવારિક જમીન મેટરમાં મર્ડરનો ઇતિહાસ:

આરોપીનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ભયાનક છે. અગાઉ વર્ષ ૨૦૧૮ માં પોતાના પરિવારની ૩ વીઘા જમીનની બાબતે ચાલી રહેલા વિવાદમાં અદાવત રાખીને આરોપીએ જમીન માલિક પ્યારેલાલ યાદવની ગોળી મારીને સ્થળ પર જ ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. આ મર્ડર કેસના ગુનામાં તે ૪ વર્ષ જેલમાં પણ રહી ચૂક્યો છે. આ સિવાય તે સમાજ વિરોધી ક્રિયાકલાપ નિવારણ અધિનિયમ, કોર્ટમાં ગેરહાજર રહેવા બદલ અને આર્મ્સ એક્ટ હેઠળ જાહેરમાં હથિયાર લઈને ફરવાના ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા હાલ એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે કે આ આરોપીએ સુરત શહેરમાં કોઈ વેપારીને ધમકી આપી છે કે કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ.

(2:05 PM IST)