તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Wednesday, 6th May 2026
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનના સંકલનથી શહેર સુરક્ષિત બનશે : ₹133 કરોડના ખર્ચે વધુ 1400 સીસીટીવી કેમેરા લાગશે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન 2047ને સાકાર કરવા સુરતમાં કુલ 4970 કેમેરાથી બાજ નજર રખાશે : અર્બન વિસ્તારોમાં 100 નવા ટ્રાફિક સિગ્નલ અને આઈલેન્ડ સાથે ગુનેગારોને પકડવા રેલવે સ્ટેશનોને પણ સર્વેલન્સ હેઠળ આવરી લેવાશે

સુરત: સ્માર્ટ સિટી તરીકે વિશ્વ ફલક પર ઉભરી રહેલા સુરત શહેરની સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે સુરત પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે 'ત્રીજી આંખ'નો વ્યાપ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન વચ્ચે થયેલી બેઠકમાં શહેરના નવા ભળેલા અર્બન વિસ્તારોમાં સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા મજબૂત કરવા માટે ₹133 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરમાં 1400થી વધુ નવા સીસીટીવી કેમેરા અને 100થી વધુ ટ્રાફિક સિગ્નલ પોઈન્ટ તેમજ આઈલેન્ડ બનાવવામાં આવશે.
કેમેરાનું નેટવર્ક અને આધુનિક ટેકનોલોજી:
હાલમાં સુરત શહેરમાં પોલીસના 879 કેમેરા, 'વિશ્વાસ' પ્રોજેક્ટના 1211 અને મહાનગરપાલિકાના 1480 કેમેરા મળી કુલ 3570 કેમેરા કાર્યરત છે. નવા 1400 કેમેરા ઉમેરાતા સમગ્ર શહેરમાં કુલ 4970 કેમેરા દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુરત પોલીસને આધુનિક એઆઈ (AI) ટેકનોલોજી સાથે જોડી રહ્યા છે, જેનાથી રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો ડિસ્પ્લે પર દેખાઈ જશે અને ઓટોમેટિક મેમો જનરેટ થશે. ઉલ્લેખનીય છે કે, 2013માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શરૂ થયેલા 'પોલીસ ઓન ડેશ' કંટ્રોલરૂમને હવે વધુ આધુનિક અને અસરકારક બનાવવામાં આવી રહ્યો છે.
ગુનેગારો માટે તમામ રસ્તાઓ બંધ કરાશે:
પોલીસે એવા તમામ રસ્તાઓ શોધી કાઢ્યા છે જ્યાંથી ગુનેગારો પોલીસની નજર બચાવીને ફરાર થતા હતા. હવે આવા તમામ પોઈન્ટ્સ પર સીસીટીવી લગાવાશે અને મોબાઈલ પેટ્રોલિંગ પણ વધારવામાં આવશે. આ ઉપરાંત, ગુનેગારો ગુનો કરીને રેલવેના માધ્યમથી નાસી ન જાય તે માટે સુરત રેલવે સ્ટેશન સહિત ઉત્રાણ, ગોઠણ, ઉધના, ભેસ્તાન, સચિન અને સાયણ જેવા સ્ટેશનોને પણ સીસીટીવી નેટવર્ક સાથે જોડવા માટે ભારતીય રેલવે સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે. રેલવે ડીજીપી ડો. કે.એલ. રાવ અને આઈજી ડામોર સાથે આ અંગે પ્રસ્તાવિત ચર્ચાઓ હાથ ધરાઈ છે.
ટ્રાફિક અને સુરક્ષાનું 'સુરત મોડેલ':
ગુજરાતમાં સુરત શહેર ટ્રાફિક વ્યવસ્થા અને હેલ્મેટ પ્રથા માટે એક મોડેલ તરીકે જાણીતું છે. હવે સ્માર્ટ સિટીના આગામી તબક્કામાં પાયાની જરૂરિયાતોને ધ્યાને રાખીને ગુનાખોરી ડામવા અને માર્ગ અકસ્માતો ઘટાડવા માટે પોલીસ કમિશનરે ભગીરથ પ્રયાસો શરૂ કર્યા છે. અર્બન ગામડાઓના જોડાણ બાદ વધેલા શહેરના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ વચ્ચે નવી કમિટી બનાવીને વિઝન 2047 અંતર્ગત આયોજનબદ્ધ કામગીરી કરવામાં આવી રહી છે. શિસ્તબદ્ધ ટ્રાફિક અને ટેકનોલોજીના સમન્વયથી સુરત હવે દેશના અન્ય મેટ્રો શહેરોની હરોળમાં અવલ નંબરે રહેવા સજ્જ બન્યું છે.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
