તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 21st April 2026
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો મોટો નિર્ણય : વરાછાથી સ્ટેશન જવા માટેનું 'સબરસ ગરનાળુ' બે વર્ષ બાદ નાના વાહનો માટે ખુલ્લું મૂકાયું
ધારાસભ્ય પ્રવીણ ઘોઘણીની રજૂઆત બાદ ટ્રાફિક કમિશનર સજનસિંહ પરમાર અને એસીપી ભરવાડની ટીમે મેટ્રો રેલના અધિકારીઓ સાથે સંકલન સાધી વાહનચાલકોને ટ્રાફિકની હાલાકીમાંથી અપાવી મુક્તિ

સુરત: મંગળવાર, તા. ૨૧-૦૪-૨૦૨૬ : સુરત શહેરના હૃદય સમાન રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ચાલી રહેલી મેટ્રો રેલ અને સ્ટેશન રિડેવલોપમેન્ટની કામગીરી વચ્ચે વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. લંબે હનુમાન રોડ પરના વાહનચાલકોને પડતી ભારે મુશ્કેલીઓ અને ટ્રાફિકજામની સમસ્યાના નિરાકરણ માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા સબરસ ગરનાળુ ફરીથી શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા બે વર્ષથી બંધ આ ગરનાળુ હવે ટુ-વ્હિલર અને ફોર-વ્હિલર જેવા નાના વાહનો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
ધારાસભ્યની રજૂઆત અને પોલીસ તંત્રનું સંકલન:
લંબે હનુમાન રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યાને લઈ સ્થાનિક ધારાસભ્ય પ્રવીણ ઘોઘણીએ સરકારની સંકલન મીટીંગમાં સબરસ ગરનાળુ પુનઃ શરૂ કરવા વારંવાર ભાર મૂક્યો હતો. જેને ધ્યાને રાખી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સંયુક્ત ટ્રાફિક કમિશનર સજનસિંહ પરમારને મહાનગરપાલિકા અને મેટ્રો રેલના અધિકારીઓ સાથે સંકલન કરવા નિર્દેશ આપ્યા હતા. આ સૂચના બાદ નાયબ પોલીસ કમિશનર ટ્રાફિક સેક્ટર-1 અને મદદનીશ પોલીસ કમિશનર ભરવાડની ટીમે સ્થળ નિરીક્ષણ કરી ગત રોજ બપોરે રસ્તો ખુલ્લો કરાવવાનો નિર્ણય લીધો હતો.
આયુર્વેદિક ગરનાળા પરનું ભારણ ઘટશે:
સુરત રેલ્વે સ્ટેશન ખાતે મેટ્રો રેલ અને ફ્લાય ઓવર બ્રિજની કામગીરીને કારણે બે વર્ષથી સબરસ ગરનાળુ બંધ હતું. આ કારણે વરાછા તરફથી આવતા વાહનોએ ફરજિયાત આયુર્વેદિક ગરનાળાનો ઉપયોગ કરવો પડતો હતો, જેના લીધે ત્યાં ટ્રાફિકનું અતિશય ભારણ વધી ગયું હતું. હવે સબરસ ગરનાળુ ખુલતા જ આ ટ્રાફિક વિભાજિત થશે અને પોદ્દાર આર્કેડ તેમજ સ્ટેશન મેઈન રોડ પર વાહનોની અવરજવર સરળ બનશે.
માત્ર નાના વાહનોને જ પ્રવેશ મળશે:
ટ્રાફિક પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હાલમાં સુરક્ષા અને ચાલી રહેલી કામગીરીને ધ્યાનમાં રાખી માત્ર ટુ-વ્હિલર, થ્રી-વ્હિલર (રિક્ષા) અને ફોર-વ્હિલર (કાર) જેવા નાના વાહનો જ આ ગરનાળામાંથી પસાર થઈ શકશે. વરાછા તરફથી આવતા વાહનચાલકો હવે કોઈપણ અવરોધ વગર દિલ્હી ગેટ અને રેલ્વે સ્ટેશન તરફ જઈ શકશે. આ ઉપરાંત સહારા દરવાજાથી રેલ્વે સ્ટેશન તરફ આવતા વાહનચાલકો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકશે, જેનાથી સહારા દરવાજા જંક્શન પર પણ ટ્રાફિક જામની સમસ્યામાં મોટી રાહત મળશે.
SITCO કંપની અને મેટ્રો રેલ દ્વારા હાલ સ્ટેશન વિસ્તારમાં યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, ત્યારે પોલીસ તંત્રના આ સંકલનકારી નિર્ણયથી લાખો વાહનચાલકોનો સમય અને ઈંધણ બચશે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
